ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને રાજપારડી નગરોમાં આજે આર.એ.એફ ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ઝઘડીયા પીઆઇ પી.એચ. વસાવાના માર્ગદર્શન હેઠળ ઝઘડીયા પોલિસ સ્ટેશનના જવાનો પણ ફ્લેગમાર્ચમાં જોડાયા હતા. ઉપરાંત રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ રાજપારડીના સ્થાનિક પોલિસ જવાનો પણ આર.એ.એફ. ની ઝંડાકુચમાં જોડાયા હતા.
મળતી વિગતો મુજબ વસ્ત્રાલ અમદાવાદની આર.એ.એફની એક ટુકડી ભરૂચ જિલ્લાની મુલાકાતે આવી છે. તા.૨૬ મી જુલાઇથી તા.૧ લી ઓગસ્ટ સુધી ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આર.એ.એફ. ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજીને જેતે સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવવામાં આવશે. આગામી ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી શાંતિમય માહોલ વચ્ચે થાય તેમજ લોકોમાં સલામતી અને સુરક્ષાની ભાવના મજબુત બને તે માટે ફ્લેગ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ઝઘડીયા અને રાજપારડીમાં યોજાયેલ આ ફ્લેગ માર્ચને નગરજનોએ કુતુહલ અને રસપૂર્વક નિહાળી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ