ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામની સુએજ ગટરલાઈન વારંવાર લીકેજ થાય છે અને તેમાંથી જાહેરમાં મળમૂત્રવાળુ ગંદુ પાણી બહાર વહે છે.
મળતી વિગતો મુજબ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ઝઘડિયાની ગ્રીનપાર્ક સોસાયટીમાં ગટરલાઈન લીક થતાં જાહેરમાં ગંદુ પાણી બહાર નીકળીને વહી રહ્યુ છે. આ અંગે સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો નિકાલ થયો નથી. ગતરોજ ગ્રીન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર અને મામલતદારને એક આવેદનપત્ર આપીને આ પ્રશ્નનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.
આવેદનમાં જણાવાયા મુજબ ઝઘડિયા સુલતાનપુરા ગામની સુએજ ગટર લાઈનમાંથી ગંદુ પાણી પાછલા બે મહિના જેવા સમયથી રોડ ઉપર વહી રહ્યું છે. જે બાબતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ કલેક્ટર કચેરી સુધી લેખિત રજુઆતો કરીને સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરી હતી. પરંતુ હજુ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. ગટરના દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીને લઇને રોગચાળો ફેલાવાની દહેશત પણ રહેલી છે. સુએજ ગટર લાઈન કરોડોના ખર્ચે તૈયાર થયેલ છે. વધુમાં જણાવાયું હતું કે સૂએજ ગટર લાઈનના બાંધકામ સમયે યોગ્ય ઢાળ આપેલ નથી, તેમજ ચેમ્બર બનાવવામાં ભૂલ કરેલ છે, સુએજ ગટર લાઇનનું કામ આજદિન સુધી અધૂરું બોલે છે એમ પણ જણાવાયુ હતુ. ગ્રામ પંચાયત દ્વારા કામ અધૂરું હોવા છતાં મકાનોના ખાળકુવામાં જતું મળમૂત્રનું પાણી ગટર લાઇનમાં કનેક્શન આપી દીધેલ છે. બાંધકામના ઠેકેદાર દ્વારા અધૂરા કામ પૂર્ણ થયા બાદ જ જોડાણ થવા જોઈતા હતા, જેને બદલે આવા જોડાણ આપીને ભૂલ કરેલ છે. જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળીને છટકબારી શોધી રહ્યા છે. ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરીને તેમજ સ્થળ ઉપર નિરિક્ષણ કરીને આ સમસ્યા દુર કરવામાં આવે. ઝઘડિયા ગામ તાલુકાનું મુખ્ય મથક છે. આ ગામે સુએજ ગટર લાઇનના તકલાદી કામ માટે સંબંધિત અધિકારીએ યોગ્ય ખુલાસો આપવો જરૂરી બને છે. આને લઇને જોકોઇ રોગચાળો ફેલાય તો તેની જવાબદારી સંબંધિત વહીવટી તંત્રની રહેશે. રહીશોના જણાવ્યા મુજબ તેઓ ગ્રામ પંચાયતમાં વેરાઓ સમયસર ભરે છે, તેમ છતાં ઝઘડિયા સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યા બાબતે ઉદાસીનતાનુ વલણ અપનાવાતુ હોવાની લાગણી પણ આ સ્થાનિક રહીશોએ વ્યક્ત કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ