ભરૂચ જિલ્લાનો ઝઘડીયા તાલુકો વિપુલ વનસંપતિ ધરાવતો તાલુકો છે. ઝઘડીયા તાલુકામાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા હોઇ તાલુકો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મોટુ મહત્વ ધરાવે છે.
અત્રે રાજપારડી નજીક નેત્રંગ તરફના માર્ગ પર સારસા માતાનો પહાડ આવેલો છે. પહાડ પર આવેલ સારસા માતાના મંદિરે તાલુકાની ભાવિક જનતા દર્શનાર્થે આવે છે. ઉપરાંત રાજપારડીથી થોડે દુર નેત્રંગ જવાના માર્ગને અડીને પણ સારસા માતાનું મંદિર આવેલુ છે. મંદિરની બાજુમાં મોટુ તળાવ પણ આવેલુ છે. સારસા માતાના મંદિરે ચોમાસામાં સામા પાંચમના દિવસે ભવ્ય મેળો ભરાય છે, જે મંદિરેથી લઇને રાજપારડી ચાર રસ્તા અને બજાર સુધી વિસ્તરે છે. સારસા માતાના ડુંગર પર તાલુકા ઉપરાંત નજીકના અન્ય વિસ્તારોમાંથી પણ જનતા દર્શનાર્થે આવે છે. આ પહાડ ચોમેર વિપુલ વનરાજીથી ઘેરાયેલો હોઇ ચોમાસા દરમિયાન ડુંગર પર હરિયાળી છવાતા મનોરમ્ય દ્રશ્ય જોવા મળે છે. આ પહાડના વિકાસ માટે જરૂરી સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં વિકસાવવામાં આવેતો એક સુંદર યાત્રાધામ તરીકે વિકાસ થઇ શકે તેમ છે. સારસા માતાના ડુંગરથી થોડે દુર સારસા ગામ આવેલુ છે. કહેવાય છે કે સારસા ગામનુ નામ સારસા માતાના નામ પરથી પડ્યુ હશે. ઉપરાંત આ સ્થળે નવરાત્રીના દિવસોમાં સારસા માતા ગરબે ઘુમવા આવતા હતા એવી લોકવાયકા પણ પ્રવર્તે છે. ચોમાસા દરમિયાન પહાડ પર હરિયાળી છવાતા ડુંગરે લીલી ચાદર ઓઢી હોય એવુ દ્રશ્ય જોવા મળે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ