ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે શ્રીરંગ વિલા સોસાયટીમાં રહેતા તુષાર પ્રકાશભાઈ ચૌધરી પાનોલીની એક કંપનીમાં ફરજ બજાવે છે. તેઓ તેમના માતા પિતા તેમજ ભાઈ ભાભી સાથે ગોવાલી ગામે રહે છે. ગત રોજ તુષારભાઈ અંકલેશ્વરથી પરત ઘરે આવ્યા હતા ત્યારે તેમના સામેના મકાનમાં રહેતા અશોક શ્રીમાળી નામના ઇસમે તેમની ભાભી ત્રિવેણીબેન સાથે કચરો નાંખવા અને કમ્પાઉન્ડ બનાવવા બાબતે બોલાચાલી કરી હતી. સાંજે તુષારભાઈ, તેમનો માસીનો દીકરો નીતિનભાઈ, તેમનો મિત્ર તથા સોસાયટીના અન્ય માણસો સોસાયટીના બગીચામાં બેઠેલા હતા, તે દરમિયાન તેમના મકાનની સામે રહેતા નિલેશ પ્રવીણભાઈ શ્રીમાળીએ તેમને નજીક બોલાવ્યા હતા, પરંતુ તુષારભાઈ ગયેલ નહીં. રાત્રિના સમયે અશોક બચુભાઈ શ્રીમાળી તેના ઘરેથી હાથમાં લાકડી લઇને આવ્યો હતો અને તુષારભાઈને કહ્યુ હતુ કે તમોએ પાણી માટેની પાળ કેમ બનાવેલી છે ? અને કચરો કેમ નાખો છો ? તમે કમ્પાઉન્ડ કેમ બનાવો છો ? કંપાઉન્ડ અમારે બનાવવાનું છે, તેમ કહીને ગાળો બોલીને તુષારભાઈને લાકડીના ત્રણ ચાર સપાટા મારી દીધા હતા, અને નિલેશ શ્રીમાળીએ તુષારભાઈને માથાના ભાગે ઇટ મારી દેતાં તેઓને લોહી નીકળવા લાગ્યું હતું. આ દરમિયાન નિલેશ શ્રીમાળીના બે સાળા જેઓ સુરતથી મહેમાન આવેલા હતા, તેઓએ નિલેશ તથા અશોકભાઇનુ ઉપરાણું લઇને બન્ને જણાએ તુષારને પકડી રાખીને માર માર્યો હતો. અને તેમને નીચે પાડી દઇને છાતી તથા શરીરના ભાગે લાતો તથા ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ મારામારી દરમિયાન તુષારભાઈનો ભાઈ મયુર તથા તેમના માસીનો દીકરો તેમજ તેમના મિત્રએ વચ્ચે પડીને તુષારને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ ગાળો બોલીને ટાંટીયા તોડી નાખવાની ધમકી આપીને એ લોકો જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત તુષારભાઇને એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.આ અંગે તુષારભાઈ પ્રકાશભાઈ ચૌધરીએ અશોક બચુભાઈ શ્રીમાળી, નિલેશ પ્રવીણભાઈ શ્રીમાળી તથા નિલેશના બે સાળા વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ