નર્મદા સુગરમાં વહિવટદારની નિમણુક કરવા ખાંડ નિયામકને લેખિતમાં રજુઆત કરવામા આવી છે. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના કલ્પેશભાઈ દેસાઈ નામના એક ખેડૂત સભાસદ દ્વારા ખાંડ નિયામક ગાંધીનગરને નર્મદા સુગર ધારીખેડામાં વહીવટદારની નિમણૂક કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે એક પત્ર દ્વારા જણાવ્યું છે કે નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગમાં હાલ મુદત વીતી ગયા બાદ પણ સંચાલક સમિતિ વહીવટ કરે છે, જે સંપૂર્ણ ગેરકાયદેસર છે. હકીકતમાં નર્મદા સુગરની મુદત ગત મે ૨૦૨૦ માં પૂર્ણ થઇ ગઇ છે, પણ કોરોના મહામારીના કારણે સરકારે રાજ્યની સહકારી મંડળીઓની મુદતમાં વધારો કર્યો હતો, જે સમય જતા સ્થિતિ હળવી થતાં મંડળીઓને ચૂંટણીની સરકારે છૂટ આપી હતી, જેથી ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ નર્મદા સુગરની ચૂંટણી યોજાઇ હતી, પરંતુ મતગણતરી માટે હાઈકોર્ટ દ્વારા મનાઇ હુકમ અપાતા હજુ પરિણામ જાહેર થયા નથી. આ પરિસ્થિતિમાં નર્મદા સુગરની વર્તમાન સંચાલક સમિતિ ગેરકાયદેસર છે. સરકાર દ્વારા મુદતમાં વધારો કરાયો નથી, કે મતદારોએ તેમને સત્તા સોંપી નથી, આમ કાયદાની દ્રષ્ટિએ તો આ અન્યાયી છે, ઉપરાંત લોકશાહીના મૂલ્યોનો પણ ભંગ થાય છે. તેથી તાત્કાલિક નર્મદા સુગરમાં વહીવટદારની નિમણૂક થવી જોઇએ. એવી લેખિત રજુઆત ખાંડ નિયામક ગાંધીનગરને કરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.