ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા પુરસ્કાર સહિત એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ આ ખેડૂતને છેલ્લા છ વર્ષમાં રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ મળીને ૧૬ જેટલા પુરસ્કાર સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યા છે. યુવા ખેડૂત ધીરેનભાઈ દેસાઈને ૨૦૧૫ થી ૨૦૨૧ ના વર્ષો દરમિયાન ૧૬ જેટલા કૃષિ એવોર્ડ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ મળતા આ વાતે સમગ્ર રાષ્ટ્રમાં ભરુચ જિલ્લાને ગૌરવ પ્રદાન કર્યુ છે. પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ ખૂબ ઉત્સાહી અને ખંતીલા ખેડૂત સાબિત થયા છે. ધીરેનભાઈ દેસાઈ ફક્ત ભરૂચ કે ગુજરાતના જ નહીં પરંતુ ભારત દેશના આગવી કોઠાસૂઝ ધરાવતા ખેડૂત સાબિત થયા છે. આજરોજ ધીરેનભાઈ દેસાઈને ભારત સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર ૨૦૨૦ એનાયત કરવામાં આવ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર દ્વારા કૃષિ ભવન નવી દિલ્હી ખાતે યોજાયેલી આઇસીએઆર એવોર્ડ સેરેમનીમાં ભારત દેશના ચાર ખેડૂતોને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર, જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ નેશનલ ૨૦૨૦ એનાયત કરવામાં આવ્યા છે, તેમાં ઝઘડિયા પાણેથા ગામના ધીરેનકુમાર ભાનુભાઈ દેસાઈ તથા કર્ણાટકના સરના બસપા પાટીલ, હિમાચલ પ્રદેશના હરમન શર્મા અને બિહારના શ્રીમતી મનોરમા સિંહને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સાથે પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ દેસાઈને એવોર્ડ સાથે સાથે એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ