ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લીમોદરા સુકવણા ગામે રૂ. ૧.૪૧ લાખના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ધોળે દિવસે ઘરનું તાળું તોડીને ચોરી થવા પામી છે.
વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના લિમોદરા સુકવણા ગામે રહેતા અનિતાબેન મહેશભાઈ પાટણવાડીયાના સાસુ ગતરોજ કામ ઉપર ગયા હતા. ત્યારબાદ અનિતાબેન તેમના છોકરાઓ સાથે પગુથણ ગામે બાબરીનો કાર્યક્રમ હોવાથી પગુથણ ગામે ગયા હતા. જતી વખતે અનીતાબેને તેમના ઘરને તાળું મારીને તેની ચાવી સામે રહેતાં દિવાળીબેનને આપી હતી. અનિતાબેન તથા ફળીયાના અન્ય લોકો બપોરના ત્રણ વાગ્યે બાબરીનો પ્રસંગ પતાવીને પરત લીમોદરા ગામે આવ્યા હતા. ઘરે આવ્યા બાદ અનીતાબેને તેમના ઘરના આગળના દરવાજાને સ્ટોપર મારેલ જોઇ, અને તાળું તૂટેલી હાલતમાં લટકાવેલું દેખાયુ હતુ.
અનિતાબેને ઘરનો દરવાજો ખોલી અંદર જઇને જોતાં તિજોરીના પડદાં ઢાંકેલા જણાયા હતા, જેથી તેમણે તિજોરી ખોલી અંદર જોતા તિજોરીમાં રાખેલ ડબ્બા અને કીટલીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મુકેલ હતા તે દેખાયા નહિ તેથી તેની ચોરી થઇ હોવાની ખાતરી થવા પામી હતી. કોઈ ચોર આ દાગીના તેમજ રોકડ રકમ ચોરી ગયા હોવાનુ જણાયુ હતુ. ચોરીની આ ઘટનામાં અનિતાબેને રોકડા રૂપિયા ૨૩,૦૦૦ તેમજ સોના ચાંદીના વિવિધ દાગીના મળીને કુલ રૂ.૧,૪૧,૦૦૦ નો મુદ્દામાલ ગુમાવ્યો હતો. ધોળા દિવસે આટલી મોટી રકમના મુદ્દામાલની ચોરી થતાં ગામમાં ચકચાર મચી જવા પામી હતી. તસ્કરો દિવસના અજવાળામાં મકાનમાં હાથફેરો કરી ગયા હતા. ચોરીના આ બનાવ બાબતે અનિતાબેને ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ