ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ચાર રસ્તા પર આજે તા.૧૫ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના સમયે રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્રારા દેશમાં આદિવાસીઓ પર થતા અન્યાય અત્યાચારના વિરોધમાં એક દિવસીય ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ અંગે વધુમાં જણાવાયા મુજબ દેશમાં કહેવાતી આઝાદી બાદ આજે પણ સમગ્ર દેશમાં આદિવાસીઓ પર રોજબરોજ અન્યાય અને અત્યાચારના કિસ્સા બની રહ્યા છે. જેના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી આંદોલનના પગલે આજે ઝઘડિયા ચોકડી પર વિવિધ મુદ્દાઓને લઈને એક દિવસીય ધરણાં પ્રદર્શન યોજીને આદિવાસીઓ પર થઇ રહેલા અત્યાચાર અને અન્યાયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે મુદ્દાઓ બાબતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યુ તે મુદ્દાઓમાં-અન્યો દ્વારા સંથાલ તેમજ મુંડા આદિવાસીઓને વિદેશી ઘોષિત કરી પોતાની જાતને મૂળનિવાસી ઘોષિત કરવાનાં ષડયંત્રને ઊજાગર કરવા, આદિવાસીઓની ઓળખ સમાપ્ત કરવાના ષડયંત્રને ઊજાગર કરવા, આદિવાસી વિસ્તારોમાં વિકાસના નામે તેમની જમીન અને જંગલ ઝૂંટવી લેવાના મુદ્દે, આદિવાસીઓને આઝાદી પછી આજદિન સુધી મૂળભૂત સુવિધાઓ મળતી નથી તે મુદ્દે, છત્તીસગઢના બસ્તરમા નિર્દોષ આદિવાસીઓને માઓવાદી અને આતંકવાદી ગણાવી તેમની હત્યા કરવામાં આવી છે તે મુદ્દે, ઝારખંડના સાહેબગંજ જિલ્લાના સાહેબગંજ પોલીસ સ્ટેશન નિરિક્ષક રૂપા તર્કીના હત્યા / આત્મહત્યા મુદ્દે, સેલ્વાસાના સાંસદ મોહન ડેલકરની સંદેશાસ્પદ મોતના મુદ્દે, ટ્રેનમા મુસાફરી કરી રહેલ નનને પ્રતાડિત કરવાના મુદ્દે, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના નેમાવરમા એક જ પરિવારના સભ્યોના થયેલા ઘાતકી હત્યાકાંડ મુદ્દે, ઉપરાંત બીજા પણ ઘણાં મુદાઓ એવા છે જેમાં આદિવાસીઓ પર અત્યાચાર અને અન્યાય કરવામાં આવી રહ્યો હોય. જેના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ચાર રસ્તા પર એક દિવસીય ધરણાં પ્રદર્શન યોજીને આ મુદ્દાઓને લઇને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.વધુમાં જણાવાયા મુજબ આ બાબતે તાલુકા ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન અપાશે એમ પણ જણાવાયુ હતુ. ધરણા પ્રદર્શન કરતા કાર્યકરો પૈકી ૧૫ ની ઝઘડીયા પોલીસે અટકાયત કરી હતી, બાદમાં તેમને છોડી દેવાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ