ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની સગીર કન્યાને લગ્નની લાલચ આપીને ભગાડી જનાર આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી જતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ભરૂચ એલસીબી પોલીસે પકડીને ઉમલ્લા પોલીસને હવાલે કર્યો હતો, જે આરોપીને કોઇ ટેસ્ટ માટે દવાખાને લઈ જવાતો હતો ત્યારે તે પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગી જવામાં સફળ થયો હતો.
ઉમલ્લા પોલીસ મથકની હદમાં આવતા એક ગામનો કંચન વસાવા નામનો ઇસમ ચાર માસ અગાઉ એક ગામની સગીર કન્યાને લગ્નની લાલચ આપી તેના ઘરેથી ભગાડી ગયો હતો. સગીરાના પરિવાર દ્વારા ઉમલ્લા પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉમલ્લા પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની તપાસ હાથ ધરી હતી. આ અંગે ભરૂચ એલસીબી પોલીસે છેલ્લા ચાર માસથી સગીરાને લઈને ભાગતા ફરતા આરોપી કંચન વસાવાને કરાટા ગામેથી પકડી લીધો હતો. એલસીબી પોલીસ દ્વારા આરોપીને ઝડપીને સગીરાને મુક્ત કરી હતી. કંચન વસાવાને ઉમલ્લા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. આજરોજ આરોપી કંચન વસાવાને તેના કોઈ ટેસ્ટ માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો ત્યારે આરોપીએ બાથરૂમ જવાનું બહાનું કાઢી સાથે રહેલા પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારીને તે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતાં પોલીસ દ્વારા નજીકના તમામ સ્થળ ઉપર તેની શોધખોળ કરવામાં આવતા આરોપીનો પત્તો મળ્યો નહતો. તેથી તેની વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ