ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગ્રામ પંચાયતની હદમાં આવતી બોરોસિલ રિન્યુએબલ નામની કંપનીમાં હાલ નવું બાંધકામ ચાલી રહ્યું છે. જે કામ માટે ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા બાંધકામની પરવાનગી રદ કરવામાં આવી હોવા છતાં કંપની દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવતા પંચાયત દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા આયોજન અધિકારીને લેખિતમાં બાંધકામ રોકવા માટે ફરિયાદ કરવામાં આવી છે.
આ કંપનીમાં નવા બાંધકામ મુદ્દે કંપની દ્વારા પંચાયત પાસે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા કંપનીને એના હુકમની શરત ભંગ કરી હોઇ સદર નવું બાંધકામ કરવાની પરવાનગી રદ કરવામાં આવી હતી. પંચાયત દ્વારા બાંધકામની પરવાનગી રદ કરવા અંગે કંપનીને લેખિતમાં નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતા કંપની દ્વારા પંચાયતની નોટીશની અવગણના કરીને નવું બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતુ, જે અંગે ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા ગત તા.૨૯મી જૂનના રોજ કંપનીમાં સ્થળ તપાસ કરતા નવું બાંધકામ કંપની દ્વારા ચાલુ રાખવામાં આવ્યું હોવાનું જણાયુ હતું, જે બાદ પંચાયત દ્વારા નવા બાંધકામની વિડીયોગ્રાફી તેમજ ફોટા પણ પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ પણ ગ્રામ પંચાયતે કંપનીને બાંધકામ અટકાવવા માટે નોટિસ આપી હતી તેમ છતાં કંપની દ્વારા બાંધકામ ચાલુ રખાતા પંચાયત દ્વારા આ અંગે તાલુકા સ્તરે ફરિયાદ કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ