ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા હાલ જનતા અસહ્ય ઉકળાટ અનુભવી રહી છે. ચોમાસાની શરુઆતે મધ્યમસર વરસાદ થયો હતો. વરસાદની શરૂઆત થતાં ખેતીવિષયક કામગીરીની શરૂઆત થઇ હતી. ઝઘડીયા તાલુકામાં પણ ખેડૂતો વરસાદની ખેંચ અનુભવી રહ્યા છે. વરસાદ ખેંચાતા અસહ્ય તાપ વચ્ચે જનતા ઉકળાટ અનુભવી રહી છે. તાલુકામાં વરસાદ ખેંચાતા બિયારણ નિષ્ફળ જવાની ભીતિ જણાઇ રહી છે.
એક ખેડૂતના જણાવ્યા મુજબ હાલમાં વરસાદના અભાવે લગભગ પચાસ ટકા જેટલા બિયારણ પર માઠી અસર પડી છે. જો આગામી બે ત્રણ દિવસોમાં વરસાદ ના થાય તો ખેતરોમાં રોપેલ બિયારણ સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી પણ સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં શેરડી, કેળ ઉપરાંત કપાસ શાકભાજી તેમજ અન્ય ચોમાસુ પાકોની ખેતી પણ સારા પ્રમાણમાં થાય છે. ચોમાસાની શરુઆતે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિવિધ ચોમાસુ પાકો માટેના બિયારણોની રોપણી કરી હતી. હાલ ઉભી થયેલી વરસાદની ખેંચથી જરુરી પાણી વિના બિયારણ બફાઇ જઇને નિષ્ફળ જવાની દહેશત ખેડૂતો અનુભવી રહ્યા છે. અન્ય બિયારણોની જેમ કેળના પાક માટે રોપવામાં આવેલ ગાંઠોને પણ પાણી વિના મોટુ નુકશાન થવાની શક્યતાઓ જણાય છે.
ઝઘડીયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં હાલ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જણાય છે. વરસાદને લાયક વાદળો બંધાતા દેખાતા નથી, તેમજ તડકાને લઇને હાલ ઉનાળાની અસહ્ય ગરમી જનતા અનુભવી રહી છે. ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે અને આગામી ત્રણ ચાર દિવસો દરમિયાન વરસાદ થશે એવી આશા તાલુકાની જનતામાં દેખાઇ રહી છે. વરસાદના અભાવે તાલુકાના ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા જેવા વેપારી મથકોએ પણ જોઇએ તેવી ઘરાકીના અભાવે મંદીનો માહોલ જણાય છે. આમ સમગ્ર ઝઘડીયા તાલુકામાં હાલ ઉભી થયેલી વરસાદની ખેંચથી તેની અસર જનજીવન પર સ્પષ્ટપણે દેખાઇ રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ