ઝઘડિયા તાલુકામાં મુસાફરો છેલ્લા કેટલાક વર્ષોથી અંકલેશ્વર ભરૂચ વાલીયા વિગેરે સ્થળોએ વર્ષોથી અપડાઉન કરે છે. ગત માસમાં ઝઘડિયા એસ.ટી.ડેપો દ્વારા અંકલેશ્વર વાલીયા ધારોલી દરીયા તેમજ ભરૂચના કેટલાંક રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટો બાદ પણ એસ.ટી તંત્ર દ્વારા બંધ કરાયેલ બધા રૂટ પૈકી કેટલાક રૂટ ફરી ચાલુ કરવામાં આવ્યા નથી, જેથી મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
મુસાફરોમા ચર્ચાતી વાતો મુજબ બે મહિના અગાઉથી ઝઘડિયા ડેપોમાંથી અંકલેશ્વર, ભરૂચ વાલીયા ધારોલી તથા અન્ય રૂટોની બસોને સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવી નથી, જે રૂટ પહેલા ચાલતા હતા તે મુજબ શરૂ થયા નથી, જેના કારણે રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને ગામડેથી તાલુકા તથા જીલ્લા મથકે પહોંચવામાં અને પરત ફરવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. મોટાભાગે મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. જેનાથી તેમના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે. એસટીના બધા રૂટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા નથી તેના કારણે ખાનગી પેસેન્જર વાહન ચાલકો મનફાવે તેવા ભાડા લેતા હોવાની વાતો સામે આવી છે. આને લઇને વર્ષોથી રોજિંદી મુસાફરી કરતા નોકરીયાત વર્ગ તેમજ કામ-ધંધે જતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. મુસાફરોને આ બાબતે કોઇ વ્યવસ્થિત જવાબ પણ મળતો નથી એવી પણ ચર્ચાઓ જાણવા મળી છે. ઝઘડિયા એસ.ટી.ડેપો સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે ભરૂચ, અંકલેશ્વર, વાલિયા, ધારોલીના બસ રૂટ રેગ્યુલર કરવામાં આવે તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ