ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં આવેલ શિવનગર સોસાયટી, રેવા રેસીડન્સી અને નર્મદા નગર સોસાયટીના રહીશોએ સોસાયટીની આજુબાજુમાં મોબાઈલ કંપનીઓ દ્વારા મોબાઇલ ટાવર નાંખવામાં આવી રહ્યા હોઇ, તે બાબતે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીને એક આવેદન આપીને હાલમાં ઊભા થઈ રહેલ મોબાઇલ ટાવરની પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરવા રજુઆત કરી છે.
આવેદનની નકલ જિલ્લા કલેકટરને પણ મોકલવામાં આવી છે. આ સ્થાનિક રહીશો દ્વારા જણાવાયુ છે કે સોસાયટીઓની આસપાસમાં નાંખવામાં આવી રહેલ મોબાઇલ ટાવર ઉપર અલગ-અલગ કંપનીઓના એક સાથે વિવિધ ટ્રાન્સમિશન એન્ટેના લગાડવામાં આવે તેમ છે. એક સાથે ત્રણ-ચાર કંપનીઓના વધુ પ્રમાણમાં એન્ટેના લગાડવામાં આવે તો માઇક્રોવેવ તથા ટ્રાન્સમિશન એન્ટેનાના કારણે ઊંચું ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ મોબાઇલ ટાવરની આસપાસ ઊભું થાય તેમ છે, જેના કારણે રહીશોના સ્વાસ્થ્યને ગંભીર પ્રકારની અસરો થવાની દહેશત છે. ટ્રાન્સમિશન એન્ટીના તથા માઇક્રોવેવના કારણે ઊભા થયેલા ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ સ્વાસ્થ્યને માટે જોખમકારક છે. વધુમાં જણાવાયા મુજબ તાજેતરમાં ટેલી સર્વિસ પ્રોવાઇડર કંપની દ્વારા ફાઈવ જી ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. ફાઇવ જી નું ટ્રાન્સમિશન વધુ મેગા હર્ટઝ જેટલી ઊંચી આવૃત્તિથી ટ્રાન્સમિશન કરવામાં આવે છે, જેના કારણે રહીશોને વિવિધ શારીરિક વ્યાધિઓ થઇ શકે છે. ઉપરાંત નાની વયના બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઇ શકે છે. વધુમાં થાક લાગવો, માનસિક તણાવ, શ્વાસ લેવામાં તકલીફ પડવી, શરીરમાં લકવા કંપન જેવી અસર થવા ઉપરાંત સગર્ભા સ્ત્રીઓને ગંભીર પ્રકારની જોખમી અસર થવાની સંભાવનાઓ રહેલી હોવાનું જણાવાયુ હતુ. મોબાઇલ ટાવર નાંખવા આસપાસના રહીશોની સંમતિ લેવી જરુરી હોવા છતાં તેમની સંમતિ લેવામાં આવી નથી. આવેદન બાબતે તાકીદે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે.