ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામનો એક યુવાન ગત ૩૦ જૂનથી ગુમ થયો હતો. તારીખ બીજી જુલાઈના રોજ સાંજે આ યુવકનો મૃતદેહ લીલોડ ગામ નજીક નર્મદા નદીના કિનારે મળ્યો હતો.
વિગતો મુજબ ઉમલ્લાનો મયંક અશ્વિનભાઇ પટેલ નામનો ૩૫ વર્ષીય આ યુવક વડોદરા રહેતો હતો અને ખેતી અને ધંધાકીય કામ માટે ઉમલ્લા આવજા કરતો હતો. થોડા દિવસ પહેલા ફોરવ્હીલ ગાડી લઈને વડોદરા ગયેલ મયંક પરત આવેલો નહિ. તેની ગાડી પહેલી જુલાઈના રોજ પોઈચા નર્મદા બ્રિજ પરથી મળી હતી. મયંક ગુમ થયેલ હોઇ તેની તપાસ કરવા છતાં મળેલ નહિ. દરમિયાન તારીખ બીજી જુલાઈના રોજ સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે નર્મદા કિનારાના લીલોડ ગામે નદીના કિનારે મરણ પામેલ હાલતમાં મયંકનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને મૃતદેહને પી.એમ માટે કરજણ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. હાલ તો ઉમલ્લાના આ યુવકના મોત બાબતે રહસ્ય સર્જાયુ છે. યુવકે આત્મહત્યા કરી છેકે પછી કોઇએ તેને મારીને નદીમાં નાંખી દીધો હતો ?પોલીસ તપાસમાં આ રહસ્યનો પર્દાફાશ થશે એમ હાલ તો જણાઇ રહ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ