ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતી ઉલેચાતી હોવા બાબતે ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને જણાવાયુ હતું, પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી, ગયા મહીને ગાંધીનગર ખાતેની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી થતા રેતી ખનન પર છાપો મારીને હિટાચી મશીન તથા નાવડી જપ્ત કરીને સીલ મારવામાં આવ્યુ હતુ. ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહી બાદ ફરીથી રેતી ઉલેચવાનું શરુ કરાતા રેતી માફિયાઓની તાલુકા અને જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે મેળાપીપણુ હોવા બાબતની વાતો ઉઠવા પામી છે.
ગોવાલી ગામ નજીક રેતી માફિયાઓ દ્વારા ફરીથી કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતી ખનનની પ્રવૃત્તિ બે દિવસ પૂર્વે ફરીથી શરૂ કરવામાં આવતા એક મહીના પહેલા થયેલ કાર્યવાહીને આ લોકો ધોળીને પી ગયા હોય એમ જણાઇ રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે ગેરકાયદેસર રીતે કોસ્ટલ રિઝર્વ ઝોનમાં શરુ થયેલ રેતખનન બાબતે પોલીસે એક ટ્રક ઝડપીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. ફક્ત એક જ વાહન રેતી ભરીને જતુ હતુ ? આ બાબતે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ