ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અછાલિયા ગામે ગત તા.૨૮ મી મેના રોજ રાત્રિ દરમિયાન એક મકાનમાં પાછળના ભાગેથી ઘરમાં ઘુસેલ કોઇ અજાણ્યો ચોર રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળીને રૂ.૨૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી ગયેલ. મુળ અછાલિયાના વતની અને ધંધાર્થે સુરત જઇને વસેલા પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવ પરિવાર સાથે ધાર્મિક વિધી માટે વતન અછાલિયા આવ્યા હતા. સુરતથી લઇને આવેલ રોકડા રુપિયા અને સોના ચાંદીના દાગીના મળીને રૂ.પચીસ લાખ ઉપરાંતની મતા ગુમાવનાર પ્રકાશચંદ્ર રાવને ચોરી થયાની જાણ થતાં તેઓ આ આઘાત જીરવી શકેલ નહિ, અને તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ. આ ચોરી બાબતે મૃતકના પુત્રએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવેલ.રુ.૨૫ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી સમગ્ર તાલુકામાં ટોક ઓફ ધી ટાઉન બની હતી. ચોરીની આ ઘટનાને મહિનો થવા આડે જુજ દિવસો બાકી છે ત્યારે દિવસો વિતવા છતાં હજુ આટલી મોટી ચોરીનો ભેદ વણ ઉકલ્યો રહ્યો છે, ત્યારે પોલીસ તપાસનું પરિણામ હજુ શૂન્ય જણાય છે.
અછાલિયાની આ ચોરીની તપાસ હજુ કેમ અસરકારક પરિણામ નથી લાવી તે બાબતે હાલ પુરતી તો આશ્ચર્ય સહ પ્રશ્નાર્થની લાગણી જનતામાં દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છેકે ભરૂચ જિલ્લામાંં મહત્વનું સ્થાન ધરાવતો ઝઘડીયા તાલુકો ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનો ધરાવે છે, છતાં જનતા સ્પષ્ટપણે અસલામતી અનુભવતી જણાય છે. તાલુકામાં દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કંગાળ બની રહી છે. પોલીસ મુખ્ય માર્ગો પર માસ્કના દંડ સહિત વાહન ચાલકોને મેમા આપવાની કામગીરી તો સુંદર રીતે નિભાવે છે ત્યારે રુ. પચીસ લાખ જેટલી મોટી રકમની ચોરીની તપાસ હજુ કેમ વણ ઉકલી રહી છે ? એ વાતે જનતામાં રોષની લાગણી ફેલાવા પામી છે. ત્યારે ઝઘડીયા તાલુકાના અછાલિયા ગામની મોટી ગણાતી ચોરીનો ભેદ ઉકેલવા તાકીદે સઘન પોલીસ કાર્યવાહી કરાય તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ