ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસની હદમાં આવતા અને નેત્રંગ તાલુકાના વણખુટા ગામનો અનિલ મથુરભાઈ વસાવા ગતરોજ નેત્રંગ તાલુકાના વાંકોલ ગામે ડુંગરના ઉંચા નીચા ઢાળવાળા ખેતરમાં ટ્રેકટરથી ખેતર ખેડતો હતો તે દરમિયાન અચાનક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. ટ્રેક્ટર ચાલક અનિલ ટ્રેકટર નીચે દબાઇ જતાં તેનું સ્થળ પર જ મરણ થયું હતું, જે બાબતે રેખાબેન ઇશ્વરભાઇ વસાવા રહે. વણખુટાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
અકસ્માતની બીજી ઘટનામાં ઝઘડિયા તાલુકાના જરોઇ ગામે રહેતા જગદીશ અશોકભાઈ વસાવા ગતરોજ જરોઇ ગામના બસ સ્ટેન્ડ પાસેથી મોટરસાયકલ લઇને પસાર થતા હતા તે દરમિયાન એક રેતી ભરેલ આયશર ટ્રકે મોટરસાયકલને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં જગદીશભાઈ રોડની બાજુમાં ફંગોળાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જે બાબતની ફરિયાદ લલીતાબેન અશોકભાઈ વસાવાએ ઉમલ્લા પોલીસ મથકમાં લખાવી હતી.જ્યારે ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે રહેતા હેમેન્દ્ર ચંદ્રસિંહ રાજ ઉમધરા ગામ તરફ જવાના રસ્તે યોગેશ્વર કૃષિ ક્ષેત્રના ખૂણાના વળાંક પાસેથી પસાર થતી વખતે સામેથી આવતી એક મોટરસાયકલ હેમેન્દ્રની મોટર સાયકલ સાથે અથાડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હેમેન્દ્રને ઇજા પહોંચી હતી. આ અંગે હરેન્દ્રસિંહ અમરસિંહ રાજે રાજપારડી પોલીસમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ