ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં એક કંપનીમાં કોન્ટ્રાક્ટથી કામ કરનાર કોન્ટ્રાક્ટર પાસે કામ કરવુ હશેતો બે ટકા લેખે ખંડણી આપવી પડશે એમ કહીને ખંડણી માંગતા બે ઇસમો વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના પીપલોદ ખાતે રહેતા રાકેશભાઇ નૈસદભાઇ દલાલ કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરે છે. ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં તેમને પાઇનેર સ્કેફોલ્ડીંગ અને પેઇન્ટિંગ કામનો કોન્ટ્રાક્ટ મળેલ હોઇ કામના દેખરેખની જવાબદારી સુપરવાઇઝર સુભાષકુમારને આપેલ છે. દરમિયાન ગઇકાલે તા.૧૬ મી ના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં બુલેટ મોટરસાયકલ પર બે ઇસમો આરતી ચોકડી પર આવ્યા હતા, અને કોન્ટ્રાક્ટરના મજુરોને મારઝુડ કરી હતી. ત્યારે સુપરવાઇઝરે અમારા માણસોને કેમ મારો છો એમ પુછતા આ બે ઇસમો પૈકી એકે કહ્યુ કે કોને પુછીને કંપનીમાં કામે જાવ છો અને કોના કોન્ટ્રાક્ટમાં જાવ છો? તેનું નામ આપો.તેમ કહીને બે લેબરોને લાકડીના સપાટા માર્યા હતા અને કામ કરવુ હશે તો બે ટકા લેખે પૈસા આપવા પડશે,એવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ બાબતની જાણ થતાં કોન્ટ્રાક્ટર રાકેશભાઇ બપોરના બે વાગ્યે આરતી ઇન્ડસ્ટ્રીઝ પર આવ્યા હતા. બુલેટ પર આવેલ બે ઇસમોની લેબરોએ ઓળખ આપી હતી. કંપનીમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા અન્ય કોન્ટ્રાક્ટરના માણસોને પણ બે ટકા લેખે પૈસાની માંગણી કરીને ધમકી આપવામાં આવી હતી.
વધુમા મળતી વિગતો મુજબ એક મહિના અગાઉ પણ બે ટકા લેખે પૈસાની માંગણી કરીને ધમકી આપવામાં આવી હતી. આ અંગે કોન્ટ્રાક્ટર રાકેશભાઇ નૈસદભાઇ દલાલે ખંડણીની માંગણી કરીને તેમજ લેબરોને માર મારીને ધમકી આપનાર હિતેશ ઉર્ફે કાળીયો બકોર પટેલ રહે.ગામ તલોદરા, તા.ઝઘડીયા અને પ્રકાશ દિવેડી રહે.અંકલેશ્વર વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પી.આઇ.વસાવાએ તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી, રાજપારડી