ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેના એસટી ડેપોમાંથી થોડા સમય પહેલા કેટલાક રૂટ બંધ કરી દેવામાં આવતા મુસાફર જનતાને હાલાકિ ભોગવવી પડતી હોવાની વાતો જાણવા મળી છે. તાલુકાની જનતાએ અવારનવાર વિવિધ કામો માટે વાલિયા ભરૂચ અને અંકલેશ્વર તરફ જવુ પડતુ હોય છે. હાલ છેલ્લા એક માસ જેટલા સમયથી ઝઘડિયા એસ.ટી.ડેપો દ્વારા અંકલેશ્વર વાલીયા ધારોલી દરીયા તેમજ ભરૂચના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલ સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટો બાદ પણ એસ.ટી તંત્ર દ્વારા બંધ કરાયેલ કેટલાક રૂટ ફરી શરુ કરવામાં આવ્યા નથી, એવી ચર્ચાઓ ઉઠવા પામી છે. આને લઇને મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.જેના કારણે રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને ગામડેથી તાલુકા તથા જીલ્લા મથકે પહોંચવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. લોકોએ ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવી પડે છે.તેને લઇને જનતાના કિંમતી સમય અને નાણાંનો વ્યય થતો હોવાની લોકલાગણી પ્રવર્તે છે. રોજિંદા મુસાફરો નોકરી તથા અન્ય કામ-ધંધે જતા હોય છે.બંધ રુંટોના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચ અંકલેશ્વર અને વાલીયાના રૂટ આવવા જવાના થઇને ૪૦ કિમી થી પણ વધુના રૂટ હોવા છતાં આવા રુંટ બંધ કરી દેવાયા છે. મુસાફરોને યોગ્ય જવાબ પણ મળતો નથી એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે.જાણવા મળ્યા મુજબ ઝઘડિયા ડેપો દ્વારા આઠથી વધુ રૂટ બંધ કરી દેવાયા હોઇ, મુસાફરોને પડતી તકલીફો દુર થાય તે માટે એસટી ડેપો દ્વારા રુંટો તાકીદે રાબેતા મુજબ કરવામાં આવે તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ