રાજપારડી ઝઘડીયા વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરને નર્મદા જિલ્લાના રાજપિપલા સાથે જોડતો આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા બધા માર્ગોમાં મહત્વનો મનાય છે. આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી ત્યારે બન્ને જિલ્લાની જનતામાં મહત્વની સુવિધા મળવાની ખુશી જણાતી હતી. ચાર માર્ગીય કામગીરી શરુ થયા બાદ બે ત્રણ વર્ષોથી આ કામગીરી બંધ થઇ જતાં કામ ખોરંભે પડ્યુ છે. ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં આ માર્ગની ચાર માર્ગીય કામગીરી પણ ઠેર ઠેર ખોરંભે પડી છે.
ઉલ્લેખનીય છે કે કોઇપણ સ્થળના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા જેતે સ્થળને અન્ય સ્થળો સાથે જોડતા રસ્તાઓ વ્યવસ્થિત હોવા જરુરી ગણાય છે. ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો આ મહત્વનો ધોરીમાર્ગ તેની અધુરી રહેલી કામગીરીને લઇને વાહનચાલકોને યાતના તો આપી જ રહ્યો છે, તેમજ માર્ગ બિસ્માર બનતા કેટલોક સર્વાંગી વિકાસ ગુંચવાયેલો જણાય છે. આ ધોરીમાર્ગ પર જ્યાં જયાં ચાર માર્ગીય કામગીરી થઇ ગઇ હતી ત્યાં પણ માર્ગ બિસ્માર બની રહ્યો છે. ગયા વર્ષે રાજપારડી ચાર રસ્તા નજીક ચોમાસા દરમિયાન રોડ પરના ગાબડાઓમાં વરસાદી પાણી ભરાતા તેમાં વાહનો ફસાવવાના બનાવો થતાં હોબાળો થયો હતો. ત્યારે તંત્ર એકાએક જાગ્યુ હતુ, અને કેટલીક જગ્યાએ રોડ દુરસ્ત કરવા મેટલીંગની કામગીરી કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ ડામરયુક્ત મેટલો પાથરીને તેના પર ડામર કાર્પેટ ન કરાતા અણીદાર પત્થરોને કારણે વાહનોના ટાયરોને નુકશાન થતુ હોવાની ચર્ચાઓ વાહન ચાલકોમાં ઉઠવા પામી છે. આ ધોરીમાર્ગ રાજપિપલાની આગળ કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મહત્વનો ધોરીમાર્ગ છે.ભવિષ્યમાં સ્ટેચ્યુની મુલાકાતે આવનારા સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાનો છે, ત્યારે આ ધોરીમાર્ગની અધુરી કામગીરી તાકીદે શરુ કરવામાં આવે તેવી લાગણી ભરૂચ અને નર્મદા જિલ્લાની જનતામાં દેખાઇ રહી છે. રાજપિપલાની આગળ આ માર્ગ બોડેલી છોટાઉદેપુર સાથેના માર્ગ સાથે જોડાય છે. છોટાઉદેપુરની આગળ મધ્યપ્રદેશ તરફના વાહનો પણ સુરત મુંબઇ તરફ જવા આ માર્ગનો ઉપયોગ કરે છે, ત્યારે ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતા રહેતા આ મહત્વના ધોરીમાર્ગને વધારે બિસ્માર બનતો અટકાવીને અધુરી રહેલી ચાર માર્ગીય કામગીરી તાકીદે શરુ કરવામાં આવે તે જરુરી બન્યુ છે. અંકલેશ્વર રાજપિપલા વચ્ચેના ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરીને લઇને આ માર્ગ પર આવતા પુલો અને નાળા પણ ડબલ બનાવવાની કામગીરી શરુ થઇ હતી.પરંતુ માર્ગની ખોરંભે પડેલી કામગીરીને લઇને નવા બનાવાતા નાળા અને પુલોની કામગીરી પણ અધુરી પડી છે.લાંબા સમયથી માર્ગની ખોરંભે પડેલી કામગીરીને લઇને માર્ગની કામગીરી ક્યારે સંપન્ન થશે એ બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ