ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની ખાડીમાંથી આશરે છ ફુટ જેટલો લાંબો મગર ઝડપાયો હતો. વનવિભાગની ટીમે પાંજરૂ ગોઠવીને મગરને ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ ૨૫ મી મે ના રોજ રતનપુર ગામની ખાડીમાંથી એકાએક એક મગરે પાણીમાંથી બહાર આવીને ખાડી નજીક ચરતા એક બકરા પર હુમલો કરીને તેને પાણીમાં ખેંચી ગયો હતો. ગામ લોકોએ બુમાબુમ કરતા મગર બકરાને છોડીને પાણીમાં જતો રહ્યો હતો. મગરના હુમલાથી ઇજાગ્રસ્ત બકરો પાણીમાં ડુબી ગયો હતો અને આ બકરાનુ મોત થયુ હતુ. ત્યારબાદ વનવિભાગને જાણ કરાતા વનવિભાગ દ્રારા ૨૬ મી મે ના રોજ ખાડીમાં મગરની હાજરી જણાતી હોવાથી તે સ્થળે પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતુ. ૨૮ મી મે ના રોજ મગર પાંજરામાં ઝડપાયો હતો. આ મગરની ઉમર અંદાજે દોઢ વર્ષ, લંબાઇ ૬ ફુટ અને વજન ૪૦ કિલો જેટલુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. ઝડપાયેલ મગરને સરદાર સરોવરમાં સલામત રીતે મુક્ત કરવામાં આવશે એમ જાણવા મળ્યુ છે.
વનવિભાગ વિભાગ તેમજ સ્થાનિક ગ્રામજનોએ મગરને ઝડપી પાડવા જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાની કેટલીક ખાડીઓમાં ઘણીવાર મગર દેખાતા હોવાની ચર્ચાઓ જાણવા મળી છે. પાછલા લાંબા સમયથી નર્મદા નદીમાં મગરોનો વસવાટ જોવા મળે છે. મગરો દ્વારા ભુતકાળમાં માણસો પર જીવલેણ હુમલા કરાયા હોવાની ઘટનાઓ પણ બનવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ