હાલમાં રાજ્ય સરકારે ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી જુલાઇ માસમાં યોજવાનું નક્કી કર્યું છે. સાથે સાથે એવી પણ જાહેરાત કરી છે કે શાળાની નજીકમાં પરીક્ષા કેન્દ્રો આપવા, જેથી વિદ્યાર્થીઓ કોરોનાના સંભવિત સંક્રમણથી બચી શકે. ઝઘડીયા તાલુકાના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ઝઘડિયા ખાતે ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે બોર્ડની પરીક્ષાઓ આગામી જુલાઈથી શરૂ કરવામાં આવનાર છે અને તે માટે શાળાની નજીકમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવનાર હોવાની સરકારની જાહેરાત છે, જેથી ઝઘડિયાના વિદ્યાર્થીઓ માટે ઝઘડિયા કેન્દ્ર ફાળવવામાં આવે તે જરૂરી છે. ઝઘડિયા તાલુકાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે ભરૂચ અંકલેશ્વર સુધી લંબાવુ પડે છે. ઝઘડિયા ખાતે ધો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર તો છે જ. હાલની પરિસ્થિતિમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ પણ તાલુકા કક્ષાએ જ લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઝઘડિયા તાલુકામાં ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિધાર્થીઓની સંખ્યા લગભગ સો આસપાસ છે. સરકારની ગાઈડલાઈન મુજબ હાલમાં વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે તો ચાર થી પાંચ બ્લોક બની શકે છે. જો આ વ્યવસ્થા ઝઘડીયા તાલુકા મથક ખાતે થાય તો વિદ્યાર્થીઓએ કોરોનાના વાતાવરણ વચ્ચે ભરૂચ-અંકલેશ્વર સુધી પરીક્ષા માટે જવુ ના પડે.કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાનમાં લઇને ઝઘડિયા ખાતે વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ