ભરૂચ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં અનેક એવા ગામડાઓ છે જ્યાં આજે પણ લોકોને મળતી મૂળભૂત સુવિધાથી ગ્રામજનો વંચિત છે, કેટલાય ગામોમાં આજે પણ હેન્ડ પંપ તો છે પરંતુ ભુગર્ભ જળસ્તર નીચા જતા પાણી પંપ સુધી પહોંચતું નથી, ગામે ગામ નલ સે જલ જેવી અનેક યોજનાઓ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી પરંતુ તેનું પરીણામ આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં આવેલ કેટલાય ગામડાઓને મળ્યા નથી.
ઝઘડિયા તાલુકાના પીપરપાન સહિતના આસપાસ અનેક ગ્રામ્ય વિસ્તારોના લોકો વર્ષોથી પાણીની રાહ જોઈ બેઠા છે, ગામમાં નળની ચકલીઓમાંથી ક્યારે જળ બહાર આવે અને ક્યારે ગામને જળની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી આશાઓ બારે માસ આ ગામડાના લોકો કરી રહ્યા છે, વર્તમાન સમયે ટેન્કર પર નિર્ભર આ ગામડાઓના લોકોની ધીરજ હવે ખૂંટી છે અને તંત્ર સામે બાયો ચઢાવી તેઓના ગામની આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં પાણી ન આવતું હોય અને ટેન્કર પર પણ પૂરતું પાણી ન મળતું હોય ગ્રામજનોના રોજિંદા જીવન પર તેની સીધી અસર પડે છે સાથે સાથે પશુઓનું પણ પાણીની તંગી સાથે પાલન કરવું પડી રહ્યું છે, તંત્રમાં અવારનવાર રજૂઆતો કરી છતાં આજદીન સુધી તેઓની કોઈ રજૂઆતને ધ્યાન ઉપર લેવામાં આવી નથી અને આજે પણ ગ્રામજનોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, ત્યારે વહેલી તકે તંત્ર આ ગામોમાંથી પાણીની સમસ્યાનો અંત લાવે તેવી આશ ગ્રામજનો સેવી રહ્યા છે