ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક ધોરીમાર્ગ પાસે આવેલ પેટ્રોલ પમ્પના સંચાલક દૈશીકભાઈના પેટ્રોલ પંપની બાજુમાંજ તેમનું આંબાવાડિયું આવેલું છે.આ આંબાવાડીયામાં ચાલુ સાલે કેરીનો પાક પ્રમાણમાં સારો ઊતર્યો છે. આંબાવાડિયાની સાચવણી તથા તેના સંચાલનનું કામ અંકલેશ્વરના હરિભાઈ ખાટાભાઇ વાઘેલાને સોંપ્યું છે. ગઇ તા. ૧૮ મીના રોજ હરિભાઈ તેના પરિવાર સાથે આંબાવાડિયામાં હાજર હતો તે દરમિયાન રાણીપુરા ગામની કેટલીક મહિલાઓ તથા એક ઈસમ આંબાવાડિયામાં ગેરકાયદેસર રીતે ઘૂસીને કાચી અને પાકી કેરીના ઢગલામાંથી તેમજ કેરેટમાં ભરેલ કેરી પૈકી કેટલીક કેરીની ચોરી કરી જતા હતા. કેરીની ચોરી કરવા આવેલા મહિલાઓ તથા પુરૂષને હરીભાઇએ અટકાવતા તે પુરુષે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હરિભાઈએ આ અંગે ઝઘડિયા પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇને ત્રણ મહિલાિઓની ધરપકડ કરી હતી, જ્યારે એક પુરુષ ત્યાંથી ભાગી ગયો હતો. ચોરી કરવા આવેલા ઇસમોએ કુલ કાચી અને પાકી કેરી મળીને રુ.૨૨૦૦૦ જેટલી કિંમતની ૩૨ મણ જેટલી કેરી ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે આંબાવાડિયાના સંચાલક હરિભાઈ ખાટાભાઈ વાઘેલાએ ઝઘડિયા પોલીસમાં નિર્મળા શ્રાવણભાઈ વસાવા, પારુલ નવીનભાઈ વસાવા, જામન હીનભાઈ વસાવા તથા એક ભાગી ગયેલ અન્ય પુરુષની વિરુધ્ધ ઝઘડિયા ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ