ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ દિવાન ધનજીશા હાઇસ્કુલે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપમાં સતત પાંચમી વખત શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. મળતી વિગતો મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ એસીબી દ્વારા ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે તારીખ ૧૪.૩.૨૧ ને રવિવારના રોજ એન.એમ.એમ.એસ (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઝઘડિયા ખાતેની નૂતન કેળવણી મંડળ સંચાલિત દિવાન ધનજીશા હાઇસ્કુલની ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની અર્પિતા શિરીષભાઈ શાહે જિલ્લામાં મેરીટમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, અને આ સાથે બીજા સાત વિદ્યાર્થીઓ ધ્રુવ રસિક ભાઈ રાવળ, દેવાંશ દલસુખભાઈ વસાવા, મિશ્વા ધર્મેશભાઈ પટેલ, સુનિલ ભાવિન કુમાર શાહ, ચાર્મી દિનેશભાઈ મોદી, કશીશ રાજીવભાઈ શર્મા અને શિવમ સતિષભાઈ વસાવા મેરિટમાં સ્થાન પામ્યા છે. આ સાથે દિવાન ધનજીશા હાઇસ્કુલ ઝઘડિયા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષામાં સતત પાંચમી વખત આગળ પડતા સ્થાને રહી છે. કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શનની સાથે સાથે વાલીઓના સહકારથી સુંદર પરિણામ પ્રાપ્ત કર્યું છે, જે બાબત શાળા માટે ગૌરવની વાત ગણાય.
અત્રે ઉલ્લેખનીય છેકે આ વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ધોરણ ૧૨ ના અભ્યાસ દરમિયાન માસિક રૂપિયા એક હજાર મુજબ ચાર વર્ષ સુધી પ્રત્યેક વિદ્યાર્થીઓને કુલ રૂપિયા ૪૮,૦૦૦ ની શિષ્યવૃત્તિ નિયમ અનુસાર મળવાપાત્ર થશે. શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલર તેમજ શાળા પરિવારે વિધ્યાર્થીઓને અભિનંદન પાઠવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ