ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદાના વિશાળ પટમાંથી આડેધડ રેત ખનન થતુ હોવાની વાતો લાંબા સમયથી ચર્ચામાં રહી છે.
મળતી વિગતો મુજબ નર્મદા કિનારે આવેલા ટોઠીદરા ગામમાં પણ વહીવટી તંત્ર દ્વારા લીઝ સંચાલકોને લીઝની ફાળવણી કરવામાં આવેલ છે. કેટલાક લીઝ સંચાલકો દ્વારા પોતાને ફાળવેલી લીઝ માંથી રેતી ખનન નહીં કરી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી ચોરી કરી રેત ખનન તથા રેત વહનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાની લોકચર્ચાઓ ઉઠવા પામી હતી, ત્યારે આવી જ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ ટોઠીદરાના ગ્રામજનોને જણાઇ હતી. ટોઠીદરા ગામની સરકારી પડતર જમીનમાં નર્મદાના પટમાં વડોદરા તથા ભરૂચ જિલ્લાની લીઝ હોલ્ડરના સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે મશીનો તથા નર્મદાના ચાલુ પ્રવાહમાં નાવડીઓ મૂકીને ડીઝલ એન્જિન દ્વારા રેતી ખેંચવામાં આવતી હોવાનું જણાતા તેમણે ભરૂચ ભૂસ્તર વિભાગને ટેલિફોનિક જાણ કરીને ફરિયાદ કરી હતી. ગ્રામજનોની ફરિયાદના પગલે ભૂસ્તર વિભાગની ટીમ ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે પહોંચી હતી અને ગ્રામજનોની ફરિયાદના આધારે પાંચ જેટલા રેત ખનન અને ભરવા માટે વપરાતા મશીનો તેમજ ચાર જેટલી નાવડીઓ જપ્ત કરી હતી. ભૂસ્તર વિભાગ દ્વારા જપ્ત કરી સીલ કરેલ મશીનરી તથા નાવડીઓ રાજપારડી પોલીસ મથક ખાતે લઈ જવા ગ્રામજનોએ જણાવ્યું હતું, પરંતુ મોટી મશીનરી પાર્ક કરવા માટે જગ્યા નહીં હોઇ, સ્થળ પર જ મશીનરીને રાખી સીલ કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ