ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે રહેતી નિરુબેન વસાવા તેના પતિ જગદીશભાઇ જોરભાઇ વસાવા સાથે તા.૨૮ મીના રોજ સાંજના ગામમાં એક લગ્ન પ્રસંગમાં જમવા ગઇ હતી. જમીને નવેક વાગ્યાના અરસામાં ઘરે પરત આવ્યા હતા ત્યારબાદ ફળીયામાં રહેતા દિપકભાઇ કનુભાઇ વસાવા ત્યાં આવેલ અને કહેવા લાગેલ કે તમે ત્રિકમભાઇને ત્યાં લગ્નમાં જમતા જમતા મારા બાજુ જોઇ કેમ ગમેતેમ બોલતા હતા ? જેથી આ લોકોએ આ બાબતે ના પાડી હતી કે અમોએ તને કાંઇ બોલેલ નથી તેમ કહેતા તે ઉશ્કેરાઇ ગયેલ અને પતિ પત્નિને ગાળો બોલવા લાગેલ. જેથી ગાળો બોલવાની ના પાડતા દિપકે નિરુબેનને બે ત્રણ તમાચા માર્યા હતા, અને તેના પતિને ઢિકા પાટુનો માર મારવા લાગ્યો હતો. તે વખતે નજીકમાં રહેતા યોગેશભાઇ વસાવા, તેનો ભાઇ અજય વસાવા તથા તેની માતા લલિતાબેન વસાવા દોડી આવેલ અને નિરુબેન તથા તેના પતિને ગમે તેવી ગાળો બોલવા લાગેલ અને નિરુ તથા તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપીને કહેવા લાગેલ કે ઘરમાં ચાલ્યા જાવ નહિં તો તમારા બંનેના ટાંટિયા તોડી નાંખીશુ. ત્યારબાદ નિરુબેન વસાવાએ દિપકભાઇ કનુભાઇ વસાવા તેમજ તેનું ઉપરાણુ લઇને આવેલ અન્ય ત્રણ ઇસમો સામે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ