ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી તેમજ ઉમલ્લા ગામ ની આજુબાજુના વિસ્તારોમાં કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓનો સતત વધારો થતા ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહયા છે, તેવા સમયે દર્દીઓ માટે એક ટેલિફોનિક હેલ્પલાઇન સેવા ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવી છે.
કોવિડના સામાન્ય ચિન્હો ધરાવતા દર્દીઓ માટેની હેલ્પલાઇન તેમજ ડોક્ટરની મફત ટેલિફોનિક સેવા હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૮૯૧ ૭૬૪૦ દ્વારા આપવામાં આવી રહી છે. આ સેવા ફક્ત કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોય, સામાન્ય કોરોનાના ચિન્હો જણાતા હોય અને ઘેર ક્વોરેન્ટાઇન થયા હોય તેવા દર્દીઓ માટે જ છે. આ સેવા રૂરલ તરફથી સલાહ, માર્ગદર્શન અને ડોક્ટરની ટેલિફોનિક સેવા મફત આપવામાં આવશે. જેને કોરોનાની હોમ કીટ જોઈતી હશે તેને સેવા રૂરલ દ્વારા ડિપોઝિટ ભરી આપવામાં આવશે અને સાજા થયા બાદ પરત લઇ ડિપોઝીટ પરત આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને કોરોનાના લક્ષણ બાબતે તેમજ તેના નિદાન માટે શું કરવું તેની મોટી અવઢવ રહેતી હોય છે તેવા સંજોગોમાં સેવા રૂરલ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવાથી ઝઘડિયા તાલુકાના ઘણા કોરોના સંક્રમિત દર્દીઓને ટેલિફોનિક સેવાનો લાભ મળશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ