ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ અને રુંઢ વચ્ચે ખુલ્લામાં ગંદુ પાણી વહેતુ હોઇ, રોગચાળાની દહેશત જણાય છે. એક જાગૃત નાગરીકે આ અંગે આ અખબારના પ્રતિનિધિનું ધ્યાન દોર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે રાજપારડીથી ભાલોદ જવાના રોડ નજીક રુંઢ ગામનો નીચાણવાળો રસ્તો પસાર થાય છે.
લાંબા સમયથી ગંદુ પાણી ખુલ્લામાં વહેતુ જોવા મળી રહ્યુ છે. અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, અને તેની સાથે સાથે વાયરલ ઇન્ફેક્શનની તકલીફો પણ જણાય છે. આ અંગે સંબંધિત ગામોના તલાટી કમ મંત્રીઓનું ધ્યાન દોરવા છતાં કોઇ સંતોષજનક જવાબ ન મળતા તંત્રની લાપરવાહી સામે આવી છે. આ પાણી શા માંથી આવે છે અને તેમાં અન્યોના ઘર વપરાશનું પાણી પણ મિક્સ થાય છે કે કેમ તે બાબતે સઘન તપાસ કરીને તાકીદે ઘટતુ કરાય તે ઇચ્છનીય છે. લાંબા સમયથી ખુલ્લામાં ગંદુ પાણી વહેતુ હોવાથી તેની આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે.તંત્ર તાકીદે પાઇપલાઇન કરીને બંધ ગટર લાઇનનું આયોજન કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ