ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક રાત્રિ દરમિયાન એક હોટલ પાસે પાર્ક કરીને મુકેલ ટ્રકની ડિઝલ ટાંકીનું તાળુ તોડીને તેમાંથી ૩૭૦ લિટર જેટલા ડિઝલની ચોરી થવા પામી હતી. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ ઉત્તરપ્રદેશનો અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંબોલી ગામે રહેતો પરવેઝ અહેમદ અંસારી પરવત પાટિયાના એક ઇસમને ત્યાં લેલન ડમ્ફર ચલાવવા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇ તા.૧૮ મી ના રોજ પરવેઝ ડમ્ફર લઇને બોડેલી રેતી ભરવા ગયો હતો. રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં તે રાજપારડી નજીક એક હોટલ પર ડમ્ફર ટ્રક પાર્ક કરીને સુઇ ગયો હતો. દરમિયાન બે વાગ્યાના અરસામાં કંઇ અવાજ થતાં તે જાગી ગયેલ. ટ્રકની કેબિનમાંથી નીચે ઉતરીને જોતા કોઇ અજાણ્યા ત્રણ ઇસમો તેની લેલન ડમ્ફર ગાડીની ડિઝલ ટાંકીમાં પાઇપ મુકીને ડિઝલ કાર્બામાં ભરતા હતા.અને બાદમાં આ ઇસમોએ ડિઝલ ભરેલ કાર્બા એક ટ્રકમાં મુક્યા હતા. તે ઇસમો પોતાને મારશે એમ લાગતા પરવેઝે હોટલના વોચમેનને આ બાબતે જણાવ્યુ હતુ. દરમિયાન ડિઝલ ચોરી કરીને ત્રણ ઇસમો ડિઝલના કાર્બા ટ્રકમાં મુકીને નાસી ગયા હતા. ત્યારબાદ પરવેઝ અંસારીએ બોડેલીથી રેતી ભરીને આવ્યા બાદ રાજપારડી પોલીસમાં ૩૭૦ લિટર જેટલું રૂ.૩૧૪૫૦ ની કિંમતનુ ડિઝલ ચોરી નાસી ગયેલ ત્રણ ઇસમો વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી. ઝઘડીયા તાલુકામાં વાહનોમાંથી ડિઝલ ચોરી કરતી ગેંગ સક્રિય બનતા વાહન માલિકો ચિંતિત બન્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ