ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારના ગામોમાં કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ઝઘડિયા, રાજપારડી તથા ઉમલ્લાના બજારોમાં ગામડાના લોકો ખરીદી માટે આવતા હોય છે, ત્યારે આ ત્રણ નગરોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાતુ જોવા મળી રહ્યુ છે. તાલુકા મથક ઝઘડીયા ખાતે વિવિધ કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જ્યારે હાલમાં ઝઘડિયાના મામલતદાર જે.એ.રાજવંશી ઉપરાંત બીજા સાત જેટલા કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો જાણવા મળી છે. ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશીનો ટેલિફોનીક સંપર્ક કરાતા તેઓ હોમ આઇસોલેશનમાં હોવાનું તેમજ તેમની તબિયત સારી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. ઝઘડીયા મામલતદાર કચેરી અગત્યના કામો સિવાય આગામી તારીખ ૩૦ એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. ઝઘડીયા તાલુકામાં દિવસે દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને લઇને ગ્રામિણ જનતા ભયભીત બનેલી જણાય છે. કોરોના સંક્રમણની દહેશતે ગ્રામીણ જનતા મોટાભાગે બહાર નીકળવાનું ટાળતી હોવાથી બપોર બાદ રસ્તાઓ અને બજારો સુમસામ દેખાતા હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ