ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા ભાલોદ, પાણેથા, રાજપારડી, ગોવાલી, ધારોલી, જેસપોર, ઝઘડિયા અને પડવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિસ્તારના ગામોમાં દિવસે દિવસે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઝઘડિયા, રાજપાડી તથા ઉમલ્લાના બજારોમાં ગામડાના લોકો તેમના કામ માટે તથા ખરીદી માટે આવતા હોય છે. તેવા સંજોગોમાં આ ત્રણ નગરોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાતુ દેખાય રહ્યુ છે. ઝઘડિયા સેવાસદન, તાલુકા પંચાયત કચેરી, એસ.ટી ડેપો તથા રાષ્ટ્રીયકૃત બેંકોના સ્ટાફને કોરોના સંક્રમણ થયુ હતુ. ત્યારે દિવસે દિવસે ઝઘડિયામાં પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હોય એમ લાગી રહ્યુ છે. સ્થાનિક નાગરિકોની રજૂઆતો બાદ ઝઘડિયા એપીએમસી ખાતે યોજાતો સોમવારી હાટ બજાર હાલ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યો છે. ઝઘડિયા ગ્રામ પંચાયત દ્વારા નાના મોટા વેપારીઓને વિનંતી કરવામાં આવી છે કે હાલની કોરોના મહામારીને લઇ વેપારીઓ તેમના રોજગાર ધંધા સવારે સાતથી બપોરના બે વાગ્યા સુધી જ ચાલુ રાખે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા ૧૫ દિવસમાં ૧૧૬ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ સરકારી રેકર્ડ પર નોંધાયા છે. ૧૧ દિવસમાં ૧૭૫૩ આરટીપીસીઆર અને એનટીજીન કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ