વિશ્વવ્યાપી કોરોના મહામારીને લઇને ઠેરઠેર જનતા કોરોના સંક્રમણની દહેશત વચ્ચે જીવી રહેલી દેખાય છે. ઘણા સ્થળોએ સ્થાનિક વહિવટી તંત્ર અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરીને વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા પગલા ભરાતા હોય છે. જોકે આવા લોકડાઉન થોડા દિવસના હોય છે, કારણ કે ધંધા ચાલુ રહે તે પણ લોકોના રોજગાર માટે જરૂરી ગણાય. જોકે કોરોના સંક્રમણને અટકાવવા વેપારીઓ અને ગ્રાહકો પણ જો જરૂરી નિયમોનું પાલન કરે તો લોકડાઉનની જરૂર ના પડે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ગામે તાજેતરમાં ગ્રામ પંચાયતે સ્થાનિક જનતા અને વેપારીઓના સહયોગથી ચાર દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન અપનાવ્યુ હતુ. કોરોના સંક્રમણને અટકાવવા આ પગલુ ભરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ઝઘડીયા તાલુકાના ગ્રામીણ વિસ્તારો સુધી ફેલાતા ગ્રામીણ જનતા પણ કોરોના સંક્રમણની દહેશત વચ્ચે જીવી રહી છે. રાજપારડીના બજારોમાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારની જનતાની અવરજવર રહેતી હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલ બીજા તબક્કાની કોરોના લહેરે ગામડાઓ સુધી ભરડો લીધો છે, ત્યારે ગ્રામીણ જનતા ખાસ જરૂર સિવાય બહાર નીકળવાનું ટાળતી હોય છે. તેને લઇને બપોર બાદ રાજપારડીના બજારમાં ગ્રામીણ જનતાની નહિવત હાજરી અનુભવાય છે. આમ કોરોના સંક્રમણની દહેશતે રાજપારડીના બજારમાં જોઇએ તેવી ઘરાકીનો અભાવ જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ