વિશ્વવ્યાપી કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં રોજના ઢગલાબંધ કોરોના સંક્રમિત કેસો બહાર આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાંં પણ કોરોનાનો આ બીજો તબક્કો વિકટ બની રહ્યો છે. જિલ્લામાંં રોજ ઘણા પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે. ફક્ત શહેરી વિસ્તારો જ નહિ, પણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો પણ કોરોનાની અસર હેઠળ આવી ગયા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે જિલ્લામાંં કોરોના સારવાર માટે વધુ સારવાર કેન્દ્રોની આવશ્યકતા ઉભી થઇ છે. દર્દીઓને સારવાર આપવા માટેના દવાખાનાઓમાં વોર્ડની સંખ્યા વધારવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
ઝઘડીયા તાલુકામાં પણ કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. ત્યારે ઉમલ્લા ગામે આવેલ રંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુ મંદિર શાળાના મકાનમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેના વોર્ડ બનાવાય એવી ઇચ્છા ટ્રસ્ટ અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મીકાન્ત પંડ્યાએ વ્યક્ત કરી છે. એક વિડીઓમાં તેમણે આ મુજબ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે શાળાના ૧૧ ઓરડા અને ૧ મોટો હોલ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લઇ શકાય તેમ છે. રશ્મીકાન્ત પંડ્યાએ વિડીઓના માધ્યમથી શાળાના મકાનમાં કોરોનાનું સારવાર કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કલેક્ટરને વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે ઉમલ્લા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે શાળાના આ મકાનમાં કોરોનાના દર્દીઓ માટેના વોર્ડ બનાવાય તો તે બાબત તાલુકાના સ્થાનિક કોરોના સંક્રમિત દર્દીઓ માટે રાહતરૂપ સાબિત થઇ શકે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ