ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામનું બજાર આજે તા.૧૨ મી ને સોમવારે સંપૂર્ણ બંધ રહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરે દેશવ્યાપી ભરડો લીધો છે, ત્યારે ઠેરઠેર ઘણા વેપારી સંગઠનો દ્વારા બજારો સ્વૈચ્છિક બંધ રાખવાના નિર્ણયો લેવાઇ રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ કોરોના સંક્રમણ ગ્રામીણ વિસ્તારો સુધી વિસ્તરી રહ્યુ છે, ત્યારે ગઇકાલે રાજપારડી ગામે કાર્યકારી સરપંચ પી.સી.પટેલે રાજપારડીના વેપારીઓને તા.૧૨ મીને સોમવારે બજાર સંપૂર્ણપણે બંધ રાખવાની અપીલ કરી હતી. રાજપારડીના નાનામોટા વેપારીઓએ ગ્રામ પંચાયતની અપીલને માન આપીને આજે સંપૂર્ણપણે બજારો બંધ રાખ્યા હતા.
વધુમાં તા.૧૩ મી એપ્રિલને મંગળવારથી સાત દિવસ સુધી રાજપારડીના બજારો સવારના સાતથી બપોરના બે વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તરી રહેલ કોરોના સંક્રમણની ચેનને રોકવા માટે ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ