ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાનુ સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે, ત્યારે સરકારી તંત્ર પણ લોકોને કોરોનાથી બચાવવા રાત દિવસ એક કરી જહેમત ઉઠાવી રહ્યુ છે. કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતા ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે રાજપારડી ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય કર્મચારીઓના સહયોગથી ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળો બનાવીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનુ સેવન મહત્વનું હોઇ લોકોને તેનો લાભ લેવા જણાવાયુ હતુ. રાજપારડીના ઇન્ચાર્જ સરપંચ પી.સી.પટેલ, પીએસઆઇ જે.બી.જાદવ અને રાજપારડી આરોગ્ય કેન્દ્રના તબીબ મોઇન મલેકે લોકોને કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. કોરોનાથી બચવા સામાજીક અંતરનુ પાલન પણ જરૂરી છે. નિયમો જાળવીને કોરોનાને હરાવી શકાય. ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી કે લોકો કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્તપણે પાલન કરે. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવુ, સામાજિક અંતર જાળવવું જેવા જરૂરી નિયમોનું પાલન કરવુ ખાસ જરૂરી હોવાની વાત પર ભાર મુકવામાં આવ્યો હતો. રાજપારડી પી.એચ.સી. ના કર્મચારીઓ દ્વારા નિયમિત રીતે ગ્રામજનોને જરૂરી સુચનો અને સલાહ આપવામાં આવે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ