ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે રહેતા એક ઇસમ સાથે સોલાર સીસ્ટમ બેસાડવાની ઓનલાઇન જાહેરાત આપનાર ઇસમોએ મોટી રકમની છેતરપિંડી કરતા છેતરપિંડીનો ભોગ બનનારે ઝધડીયા પોલીસમાં સુરતના ત્રણ ઇસમો સામે ફરિયાદ લખવી છે.
આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયાની વાલિયા ચોકડી નજીક રહેતા અને વેપાર કરતા પરેશભાઇ વિઠ્ઠલભાઈ પ્રજાપતિને પોતાના ઘરે સોલાર સીસ્ટમ બેસાડવાની હોવાથી તેમણે આ અંગે ઓનલાઇન તપાસ કરતા ફેસબુક પર અર્થવ ગ્રુપના નામે મુકેલ જાહેરાત જોઇ હતી. તેઓએ તેમાં જણાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરતા સામેથી ભરતભાઇ પટેલ તરીકે ઓળખાણ આપવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ વિઝિટ કરીને પરેશભાઇના પત્નીના નામના ડોક્યુમેન્ટસની માંગણી કરી હતી. બાદમાં અર્થવ ગ્રુપના મિકેનિક વિભાગમાંથી રાકેશભાઇ પટેલ નામનો ઇસમ આવ્યો હતો. તેમજ ધર્મીન રમેશ ડોભરીયા નામના ઇસમે પોતે અર્થવ ગ્રુપનો પ્રોપાઇટર હોવાની ઓળખ આપીને અર્થવ ગ્રુપનો બેન્ક એકાઉન્ટ નંબર પરેશભાઇને આપીને ચેક મારફતે રૂ.૨૩,૦૦૦ ની રકમ પડાવી લીધી હતી. તેમજ અન્યો પાસેથી પણ રુ.૨,૯૭,૫૦૦ મળીને કુલ રૂ.૩,૨૦,૫૦૦ જેટલી રકમ મેળવી લીધી હતી. રૂપિયા આપી દીધા પછી પણ સોલાર સીસ્ટમ નહિ મળતા પોતે છેતરાયા હોવાનુ જણાયુ હતુ. આ અંગે પરેશભાઇ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ રહે.ઝઘડીયા, જિ.ભરૂચ નાએ ભરતભાઇ પટેલ રહે.મુક્તિનગર સોસાયટી સચીન સુરત, રાકેશભાઇ સુરેશભાઇ પટેલ રહે.શીલાલેખ સોસાયટી સચીન સુરત અને ધર્મીન રમેશ ડોભરીયા રહે.શીલાલેખ સોસાયટી સચીન સુરત વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાએ આ અંગે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ