ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અને ઝઘડિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોલીવાડા ગામે નંખાતા ક્રસર પ્લાન્ટ બાબતે કેટલાક ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો જાણવા મળી છે. ક્રસર પ્લાન્ટ કાર્યરત થતાં ખેતી, ગ્રામજનોના આરોગ્યને નુક્શાન થશે તેવી ભીતિ સાથે કોલીવાડાના ગ્રામજનોએ નેત્રંગ તાલુકા મથકે આવેદનપત્ર આપેલ હતુ.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ કોલીવાડા ગામની નીતુબેન રાજેશભાઈ વસાવા તથા અન્ય મહિલાઓ ક્રસર પ્લાન્ટ પર ગઈ હતી, ત્યાં હરનિશ વાલજીભાઈ વસાવાના પ્લાન્ટનું કામ ચાલતું હતું. પ્લાન્ટ પર ગયેલી મહિલાઓએ હરનીશ વસાવાને જણાવેલ કે તમે ગામની નજીકમાં અને અમારા ખેતરની બાજુમાં ક્રસર પ્લાન્ટ કેમ નાખો છો ? તેનાથી પ્રદૂષણ ફેલાય તેમ છે અને ખેતીના પાક તથા ગામનાં માણસોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ઉભી થાય તેમ છે, જેથી તમે અહીંયા પ્લાન્ટ નાખવાનું બંધ કરો તેવી રજૂઆત કરી હતી. ત્યારે હરનિશ વસાવાએ જણાવેલ કે તમારાથી થાય તે કરી લો, પ્લાન્ટનું કામ બંધ નહીં થાય. મહિલાઓને ગમે તેમ ખરાબ ગાળો દીધી હતી. હરનીશ વસાવાએ તેના પાસેની રિવોલ્વર બતાવીને મારી નાંખવાની ધમકી આપી હતી અને ફરીવાર પ્લાન્ટ ઉપર આવશો તો જાનથી મારી નાંખીશ, તમારાથી થાય તે કરી લો, તેવી ધમકી આપી હતી. જેથી નીતુબેન રાજેશભાઈ વસાવા રહે. કોલીવાડા તા.નેત્રંગનાએ હરનિશ વાલજીભાઈ વસાવા રહે. ગોરાટીયા તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ