ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર અને વાઘપુરા ગામ વચ્ચે ધોરીમાર્ગ પર ગઇકાલે સાંજના ૪ વાગ્યાના અરસામાં એક અજાણ્યા વાહને એક બુલેટ ગાડીને અડફેટમાં લઇ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બુલેટ સવારને ગંભીર ઇજાઓ થતાં તેનું કરૂણ મોત નીપજ્યુ હતું.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના કપાટ ગામે રહેતા રાજેશભાઇ જયરામભાઇ વસાવા ઉ.વ.૬૫ રેલ્વેના નિવૃત્ત અધિકારી તરીકે જીવન ગુજારે છે. ગઇકાલે બપોરના ત્રણ વાગ્યાના સમયે તેઓ બુલેટ ગાડી લઇને ઝઘડીયા મામલતદાર કચેરી ખાતે પોતાના કામ માટે ગયા હતા. આ દરમિયાન બપોરના ચાર વાગ્યાના અરસામાં ઝઘડીયા રાજપારડી વચ્ચે મુખ્ય ધોરીમાર્ગ પર રતનપુર અને વાઘપુરા ગામ વચ્ચે કોઇ અજાણ્યા વાહન ચલકે રાજેશભાઇની બુલેટને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ રાજેશભાઇનું કરુણ મોત થયુ હતુ. તેમના મૃતદેહનું અવિધા સરકારી દવાખાને પી.એમ.કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે રાજપીપલા અંકલેશ્વર વચ્ચેના આ ધોરીમાર્ગ પર બેફામ દોડતા વાહનોથી અવારનવાર અકસ્માતો થાય છે ભુતકાળમાં પણ ઘણા જીવલેણ અકસ્માત સર્જાયા છે.આ ઘટના અંગે કપાટ તા.ઝઘડીયાના કરણભાઇ વસાવાએ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ફરિયાદ મુજબ ઝઘડીયા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ