ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં મુલદ ગામ નજીક ભરૂચ શહેરનાં કચરાના પ્રોસેસ માટે જગ્યાની ફાળવણી કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે. મુલદ ગામનાં ગ્રામજનોએ આ બાબતે રાજ્ય સ્તરે મુખ્યમંત્રીને પણ આ બાબતે રજુઆત કરી હોવાનું જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુલદ ગામથી માત્ર ૨૦૦ મીટર જેટલા અંતરે ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સેગ્રીટીંગ ટ્રોમેલ ફોર ઓલ્ડ ડમ્પની કામગીરી માટે ફાળવેલ જમીન બાબતે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ શહેરના કચરાનાં સેગ્રેટીંગના હેતુ માટે જમીન ફળવાતા ડમ્પ કરેલા કચરાની સેગ્રેટીંગ પ્રોસેસ મુલદ ગામ નજીક હોવાથી મુલદ ઉપરાંત આજુબાજુના અન્ય ગામોના રહીશોનું આરોગ્ય જોખમાશે તેવી ભીતિ વ્યક્ત કરીને ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યુ છે. મુલદ ગામની વસ્તીથી માત્ર ૨૦૦ મીટર જેટલા નજીકના અંતરે સરકારી પડતર જમીન આ માટે ફાળવવામાં આવી છે. આ જમીનની ફાળવણી બાબતે ગ્રામજનોએ ઉચ્ચ સ્તરે લેખિતમાં રજૂઆત કરીને કચરાના સેગ્રેટીંગ માટે માનવ વસ્તી નજીક જમીન નહીં ફાળવવા જણાવ્યું છે.
આવેદનપત્રમાં જણાવાયા મુજબ આ જમીનની આજુબાજુ મુલદ ઉપરાંત બીજા પણ ઘણા ગામો આવેલા છે. આવેદનમાં જણાવાયુ છે કે ભરૂચ શહેરમાંથી કચરો એકત્ર કરીને મુલદ ગામની સીમમાં લાવવાથી મુલદ ઉપરાંત આજુબાજુના અન્ય ગામોમાં કચરાની દુર્ગંધ ફેલાશે તેમજ સેગ્રેટીંગના કારણે કચરાના રજકણો હવામાં ફેલાશે એનાથી જનતાનું આરોગ્ય જોખમમાં મુકાશે. આ ગામોના લોકોનું જીવન પશુપાલન તથા ખેતી પર આધારિત છે. કચરાનાં સેગ્રેટીંગ માટે ફાળવેલ જમીનની આજુબાજુમાં ખેતીની જમીનો આવેલ છે. કચરાના રજકણો ખેતીના પાકો ઉપર પડવા ઉપરાંત તેનાથી વાતાવરણ પ્રદુષિત બનશે. ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થવાની દહેશત પણ રહેલી છે. ઉપરાંત કચરાનાં સેગ્રેટીંગના કારણે આજુબાજુના પાણીના સ્ત્રોત પણ પ્રદુષિત થતાં આ પાણી પીતા પશુઓના આરોગ્યને પણ હાનિ પહોંચવાની દહેશત રહેલી છે. કચરાના સેગ્રેટીંગ માટે ફાળવવામાં આવેલ જમીનની લગોલગ નેશનલ હાઈવે પસાર થાય છે, કચરાના રજકણો હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પણ નડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું ગામની નજીક કચરા માટે જમીન ફળવાતા ગંભીર પ્રશ્નો સર્જાશે તેથી આ સ્થળે કચરા માટે જમીન નહિં ફાળવવા રજુઆત કરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ