ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ધોલી ગામની એક સામાન્ય ગરીબ પરિવારની વિદ્યાર્થીની રીંકલ વસાવાએ ધોરણ ૧ થી ૬ નો અભ્યાસ તેના મોસાળમાં કર્યો હતો. ત્યારબાદ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની કેજીબીવી શાળાના આચાર્યના પ્રયત્નોથી રીંકલ વસાવાને ૨૦૧૪ માં કેજીબીવી રાણીપુરા ખાતે પ્રવેશ મળ્યો હતો. ત્યાં ધોરણ સાતથી અભ્યાસ શરૂ કર્યો હતો ભણવામાં ખૂબ હોશિયાર એવી રિંકલે ધોરણ ૧૦ સુધી કેજીબીવી રાણીપુરા ખાતે રહી શિક્ષણ મેળવ્યું હતુ. ધોરણ ૧૦ માં ૮૪.૩૨ પર્સન્ટાઈલ સાથે પાસ થઈ હતી. કેજીબીવી રાણીપુરા ખાતે ધોરણ ૧૦ સુધીની જ વ્યવસ્થા હોવાથી રીંકલ વસાવાને ફરીથી અભ્યાસ માટે નાણાકીય સહાય અને માર્ગદર્શનની જરૂર પડી, ત્યારે રાણીપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતી નરેશભાઈ અને તેમના પત્નીએ રીંકલ વસાવાની ૧૧, ૧૨ ભણવાની જવાબદારી ઉઠાવી.
ઝઘડિયાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલમાં તેને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અપાવ્યો. આ દરમિયાન તેણે નીટ અને ગુજકેટની પરીક્ષાઓમાં પણ સારો દેખાવ કરી ૧૩૦ માર્કસ મેળવ્યા હતા. ધોરણ ૧૨ માં સારો દેખાવ કર્યા બાદ રીંકલ વસાવાએ રાજકોટની શ્રી વી એમ મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદમાં બી.એ.એમ.એસ માં પ્રવેશ મેળવ્યો છે. નરેશભાઈ અને એમના પત્નીના પ્રયત્નોથી રીંકલને બી.એ.એમ.એસમાં પ્રવેશ તો મળી ગયો પરંતુ હોસ્ટેલ ફી અને ભણવાનો ખર્ચ વધુ આવતો હોઇ ફરીથી નાણાકીય સમસ્યા તેની સામે ઊભી થઈ ત્યારે રાણીપુરા પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને રોટરી ક્લબ અંકલેશ્વરનો સંપર્ક રીંકલના અભ્યાસ માટે કરાયો હતો. ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા રીંકલની હોસ્ટેલ ફી માટે રૂપિયા ૭૫,૦૦૦ ની સહાય આપવામાં આવી હતી, જ્યારે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રૂપિયા ૨૫,૦૦૦ ની મર્યાદામાં તેને સ્ટેશનરી ખર્ચ આપ્યો હતો. સામાન્ય ખેત મજૂરી કરતા માતા પિતાની પુત્રી આજે ડોક્ટર બનવા તરફ જઈ રહી છે, ત્યારે તેના વતન સહિત રાણીપુરા તેમજ ઝઘડિયા તાલુકો આ વાતે ગૌરવ અનુભવી રહ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ