ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા રાજ્યપાલને સંબોધીને ઝઘડીયા ખાતે મામલતદાર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતુ.
ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં પોસઇ ભરતી બોર્ડ ૨૦૨૧ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતી માટેની સુચનાઓ જાહેરાત પ્રસારિત કરવામાં આવેલ, જેમાં અનુ.જાતિ, અનુ.જનજાતિ, બક્ષીપંચની બંધારણીય અનામત બેઠકોમાં સંખ્યાના અનુપાતમાં ખૂબ જ ગંભીર અન્યાય થયેલ છે. ભરતી બોર્ડ દ્વારા કુલ ૧૩૮૨ ભરવાની થતી જગ્યાઓમાંથી અનુ.જાતિની કુલ અનામત બેઠકો ૯૭ હોવી જોઈએ જેની સામે ફક્ત ૭૧ બેઠકો ભરવામાં આવી, અનુ.જનજાતિની કુલ અનામત બેઠકો ૨૦૭ હોવી જોઇએ જેની સામે ફક્ત ૨૦૨ બેઠકો ફાળવવામાં આવી, બક્ષીપંચની કુલ અનામત બેઠકો ૩૭૬ હોવી જોઈએ જેની સામે ફક્ત ૩૪૦ જ બેઠકો ફાળવવામાં આવી હતી. જેથી આ બાબતે અન્યાય થયેલ છે.
આ ભરતીમાં થયેલો અન્યાય તાત્કાલિક ધોરણે અટકાવવાની જરૂર છે. તેમજ યોગ્ય બંધારણીય જોગવાઇ મુજબ સુધારા કરવાની તાત્કાલિક ધોરણે જરૂર હોવાનું આવેદનમાં જણાવાયુ હતુ. ચોક્કસ સમયમર્યાદામાં અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ સાથે થયેલો અન્યાય અટકાવવામાં નહીં આવે તો આખા ગુજરાતભરમાં લોકતાંત્રિક ઢબે આંદોલન કરવામાં આવશે, એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ