ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ખાતે રાજ્ય સરકારનાં ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ સંચાલિત લિગ્નાઇટ પ્રોજેક્ટ ૧૯૮૩ ની સાલથી કાર્યરત છે. રાજપારડી ખાતે ઉત્તમ પ્રકારના લિગ્નાઇટનું ઉત્પાદન થાય છે. આ લિગ્નાઇટની માંગ રાજ્યભરમાં રહે છે. રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટ ખાતે હાલમાં જ્યાં લિગ્નાઇટ ઉત્પાદન માટે ખાણકામ કરવામાં આવે છે તે સ્થળે ખાણકામ દરમિયાન નીકળેલ પાણીનું તળાવ બનાવવામાં આવેલ હતું. ડમ્પ કરેલ માટીનાં કારણે તળાવ ફાટતા ખુલ્લા થયેલા લિગ્નાઇટ પ્લોટમાં પાણી ફરી વળતાં હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ડૂબી ગયો હોવાની વિગતો સામે આવી છે. આ અંગે સ્થાનિક જનતામાં ચર્ચાતી વાતો મુજબ ખાણકામ દરમ્યાન જે પાણી જમીનમાંથી નીકળે છે તે પાણીના નિકાલ માટે ખાણમાં જ મોટું તળાવ બનાવવામાં આવેલ છે. ખાણકામ દરમિયાન મોટા પાયે માટી પણ નીકળતી હોઇ, જાણવા મળ્યા મુજબ આ માટી ખાણકામથી ત્રણ કિલોમીટરથી દુર ડમ્પ કરવાની હોય છે, તેના બદલે રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના વહીવટ કર્તાઓ તથા કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં ખાણ કામની નજીક જ પાણીના તળાવની આજુબાજુ હજારો ટન માટી ડમ્પ કરવામાં આવી હતી. આ માટીનું દબાણ વધતા તળાવનો પાળો તુટી ગયો હતો. તેને લઇને ખાણકામ કરી ખુલ્લી કરવામાં આવેલ લિગ્નાઇટવાળી જગ્યાએ લાખો લિટર પાણી ઘુસી જતા હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ડુબી ગયો હતો. હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ગરકાવ થતા નિગમને કરોડો રૂપિયાનું નુકસાન થયુ હોવાની વાતો ચર્ચામાં આવી છે આ બેદરકારી બદલ ઉચ્ચ સ્તરીય તપાસ થશે ખરી ? એવી ચર્ચાઓ સાથે જનતામાં વિવિધ સવાલો ઉઠવા પામ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ