ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનનાં વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ યોજાયો. આજરોજ રાજપારડી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ, રાજપારડી પી.એસ.આઇ જે.બી.જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલ આ વાર્ષિક ઇન્સ્પેક્શનના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ચુડાસમાએ પોલીસ જવાનો દ્વારા યોજવામાં આવેલ પરેડનું નિરિક્ષણ કર્યુ હતુ.
પોલીસ અધિકારીએ પોલીસ જવાનોને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યુ કે પોલીસ પ્રજાનો મિત્ર છે, એ વાતની જનતાને પ્રતીતિ થવી જોઇએ. હાલ કોરોના ગ્રસ્ત માહોલ પ્રવર્તે છે ત્યારે માસ્ક અને સામાજિક અંતરનું યોગ્ય પાલન થાય તેની ખાસ કાળજી રાખવી તેમજ પોલીસ જવાનોએ તેમના કાર્યક્ષેત્રમાં જતી વખતે અવશ્ય હેલ્મેટનો ઉપયોગ કરવો. ગુનાખોરીનું પ્રમાણ ઘટે તે માટે ખાસ પ્રયત્ન થવા જોઇએ. આ પ્રસંગે રાજપારડી પી.એસ.આઇ જે.બી.જાદવે પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટેશનની કામગીરી બાબતે જરૂરી માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે રાજપારડી નગરના વધતા વિકાસને અનુરૂપ સુવિધાઓના ભાગરૂપે નગરને થોડા વર્ષો અગાઉ પોતાનું અલાયદું પોલીસ સ્ટેશન ફાળવાતા આ પંથકની જનતાની સુરક્ષા અને સલામતી માટે ઉમદા સવલત ઉપલબ્ધ બની છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ