ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર કંપનીના વેર હાઉસમાંથી થોડા દિવસ અગાઉ રૂ. 22 લાખની કિંમતનું કોપર સ્કેપ ચોરાયુ હતુ આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા મળેલ સુચના અંતર્ગત ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાના માર્ગદર્શન હેઠળ ઝઘડીયા પી.એસ.આઇ ડી.આર.વસાવા અને પોલીસ જવાનોએ જીઆઇડીસી માં થયેલ ઉપરોક્ત ગુના બાબતે સઘન તપાસ હાથ ધરી હતી દરમિયાન આ ગુના બાબતે પોલીસે ચાર ઇસમોને રૂ. 11,5000 ના મુદ્દામાલ સાથે ગણતરીના સમયમાં ઝડપી લઇને આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
ઝઘડીયા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મનાતા અશ્વિનભાઇ ભારીસીંગ વસાવા, સતિષભાઇ પુનમભાઇ વસાવા, ધર્મેશભાઇ મહેશભાઇ વસાવા અને નવીન ભારીસીંગ વસાવા તમામ રહે.ગામ મોરણ, તા.ઝઘડીયાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરીને આ ગુનામાં વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડીયાની ઉપરોક્ત કંપનીના બંધ વેર હાઉસનું પતરુ ખોલીને આ ચોરી થવા પામી હતી. ઝઘડીયા ઔધોગિક વસાહતમાં રૂ.22 લાખ જેટલી માતબર રકમની મતાની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ