ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં દુમાલા માલપુર ગામે ખેતીની જમીન બાબતે ભાઇ બહેન વચ્ચે ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ થવા પામી છે.
મળતી વિગતો મુજબ દુ.માલપુર ગામે રહેતા દરિયાબેન માનસિંગભાઈ વસાવાનો સગો ભાઈ જેસંગ મંગુભાઈ પાટણવાડીયા તથા તેની બે સગી દીકરીઓ ભાવના તથા તારાબેન દુમાલા માલપુર ગામમાં જ રહે છે. ગઇકાલે સાંજના સમયે દરિયાબેનનો ભાઈ જેસંગ મંગુભાઈ પાટણવાડીયા, તેનો છોકરો પ્રવીણ તથા નવાગામ પડાલના રહેવાસી ઈશ્વર વસાવા તથા અરવિંદ છોટુ વસાવા દરિયાબેનના ઘર આગળ આવ્યા હતા તે લોકો ગાળો બોલીને કહેતા હતા કે તું અમારુ ખેતર ખેડે છે, ઘરની બહાર નીકળ. આ સાંભળીને દરિયાબેનની દીકરી તારાબેન તથા ભાવનાબેન નજીકમાં જ રહેતા હોઇ, તેઓ તેની માતાના ઘરે દોડી આવ્યા હતા અને તારાબેને તેના મામા જેસંગભાઈને ગાળો બોલવાની ના પાડતા મામાએ તેની બંને ભાણેજોને પણ માં બેન સમાણી ગાળો બોલીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડા દરમિયાન તારાબેન ભાવનાને છોડાવવા વચ્ચે પડતાં ઈશ્વર વસાવા તથા અરવિંદ છોટુ વસાવાએ તારાબેનનું ગળું પકડીને દુર ફેંકી દીધા હતા. ત્યારબાદ પ્રવીણ જેસંગ પાટણવાડીયાએ નજીકમાં પડેલ લાડકીથી ભાવનાબેનને ત્રણ-ચાર સપાટા મારી દીધા હતા. આ ઝપાઝપી દરમિયાન ફળિયાના અન્ય માણસો ભેગા થઈ ગયા હતા. જેસંગ પાટણવાડીયા તથા તેની સાથે આવેલા ઈસમો કહેતા હતા કે ગામ છોડીને જતા રહેજો, નહીં તો જાનથી મારી નાખીશું.
આ ઘટના બાબતે ભાવનાબેન ચંદ્રસિંહભાઈ વસાવાએ તેના મામા જેસંગ મંગુભાઈ પાટણવાડીયા, મામાનો દીકરો પ્રવીણ જેસંગભાઈ પાટણવાડીયા અને અરવિંદ છોટુ વસાવા ત્રણે રહે. દુમાલા માલપુર તેમજ ઈશ્વર વસાવા રહે. નવાગામ પડાલ,તા. ઝઘડિયા વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.