ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોલી ગામે રહેતા રણછોડભાઈ લક્ષ્મણભાઈ વસાવા ગઇકાલે સાંજના સમયે ખેતરે સિંચાઈના કામ માટે ગયા હતા. સાંજના સાત વાગ્યાના અરસામાં રણછોડભાઈના પિતા લક્ષ્મણભાઈ ઘરેથી એવું કહીને નીકળ્યા હતા કે હું ઊંડી કુરી ગામે ભજનમાં જાઉં છું. ત્યારબાદ રાતના આઠ વાગ્યાના અરસામાં રણછોડભાઇને ખબર મળી હતી કે લક્ષ્મણભાઈ અસનાવીથી નેત્રંગ જવાના રોડ ઉપર સાયકલ લઈને જતા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા લક્ષ્મણભાઇ ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા હતા. તેઓને મોઢું તથા નાકના ભાગેથી લોહી નીકળતું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ લક્ષ્મણભાઇને એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવારની જરૂર જણાતા ભરૂચ સીવીલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં ફરજ પરના તબીબોએ લક્ષ્મણભાઈને તપાસતા તેઓને મરણ પામેલ જાહેર કર્યા હતા. આ બાબતે રણછોડભાઈ લક્ષ્મણભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ