સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરા ગામે રહેતા મહેન્દ્ર રણજિતભાઈ પટેલે ૨૦૧૨ ની સાલમાં ઝઘડીયા તાલુકાના રાણીપુરાના મહંત સાલીગ્રામ દાસજી ગુરુ જગન્નાથજીની માલિકીની મોજે રાણીપુરા ખાતે જુના ખાતા નંબર ૧૩૩ જેનો સર્વે નંબર ૨૯૧ વાળી જમીન વેચાણ દસ્તાવેજથી રાખેલ હતી. આ જમીન મહેન્દ્રભાઈ, તેમના ભાઈ હરેશભાઇ તથા પિતા રણજીતભાઈના નામે સંયુક્ત માલિકીની હતી. આ જમીનમાં મહેન્દ્રભાઈએ પાણીનો બોર બનાવી વીજ કનેકશન પણ લીધેલ છે અને તેઓ પંચાયતમાં વેરો પણ ભરે છે.
ગઇ તા. ૧૧-૮-૨૦૧૭ ના રોજ મહેન્દ્રભાઈ તેમના ખેતરે ગયા હતા, ત્યારે જાણવા મળ્યુ કે રાણીપુરા ગામના કાળીયાભાઈ વસાવા, ઠાકોરભાઈ સોલંકી અને કાશીબેન સોલંકી ત્રણે રહે. રાણીપુરા નાઓએ મહેન્દ્રભાઇની જમીનનો કબજો ગેરકાયદેસર રીતે કરીને વાવેતર કરવા જમીન ખેડી નાખેલ હતી. અને ત્યારથી આજદિન સુધી મહેન્દ્રભાઈની જમીન પર ત્રણેય ઇસમોનો ગેરકાયદેસર કબજો હોવાનું જણાયુ હતુ. હાલમાં ઘઉંનું વાવેતર કરેલ છે. આમ આ ત્રણ ઈસમોએ મહેન્દ્રભાઇની માલિકીની જમીન હોવા છતાં ગેરકાયદેસર રીતે કબજો કરીને તેમાં ખેતી કરી હતી અને મહેન્દ્રભાઇને તેમની જમીનનો કબજો પાછો આપતા નથી. જેથી મહેન્દ્રભાઈએ જે તે સમયે આ અંગે અરજી કરી હતી. મહેન્દ્રભાઈએ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધના નિયમ હેઠળની અરજી જિલ્લા કલેકટરમાં કરી હતી, જે અરજી બાબતે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળની રજૂઆત બાબતે સમિતિ દ્વારા મહેન્દ્રભાઇની જમીનમાં ગેરકાયદેસર કબજો કરેલ હોઇ, તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા ઝઘડિયા પોલીસને જણાવ્યુ હતુ.
આ અંગે ઝઘડિયા પોલીસે કાળીયાભાઈ ખોડીયાભાઈ વસાવા, ઠાકોરભાઈ બેચરભાઈ સોલંકી અને કાશીબેન બેચરભાઈ સોલંકી ત્રણે રહે. રાણીપુરા, તા.ઝઘડિયા, જી ભરૂચના વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડીયા તાલુકામાં ઉપરાછાપરી લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનાઓ નોંધાતા જમીનોમાં ગેરકાયદેસર દબાણ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ