સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગોમાં મહત્વનો મનાતો અંકલેશ્વર રાજપીપલા વચ્ચેનો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા વાહન ચાલકો માટે હાલાકિનું નિર્માણ થયુ છે. ચાર માર્ગીય કામગીરી શરૂ થયા બાદ થોડો સમય તો કામગીરી સારી રીતે ચાલી, પરંતુ ત્યારબાદ કામગીરી ખોરંભે પડતા જેતે સ્થળોએ રોડ બન્યો હતો ત્યાં પણ મોટામોટા ગાબડાઓ પડીને માર્ગ ખોદાઇ જતા પરિસ્થિતિ વિકટ બની હતી. આ સમસ્યા ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં આ માર્ગ પર પણ સર્જાવા પામી હતી. બાદમાં કેટલાક સ્થળોએ ખોદાઇ ગયેલો માર્ગ દુરસ્ત કરવા માટે માર્ગ પર ડામર યુક્ત મેટલ પાથરવામાં આવ્યાં. પરંતુ ત્યારબાદ પથરાયેલા મેટલો પર ડામર પાથરીને ડામર કાર્પેટીંગ કરવાની કોઇ કામગીરી શરૂ કરવામાં આવી નથી, તેથી પથરાયેલા મેટલો વાહનચાલકોને હાલાકી આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ મેટલોમાં ઘણા મેટલો અણીદાર હોવાના કારણે તેનાથી વાહનોના ટાયરોને નુકશાન થવાની દહેશત પણ સર્જાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપીપલાનો ધોરીમાર્ગ રાજપીપલાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળ સાથે પણ જોડાય છે. વળી રાજપીપલાથી આગળ દેવલિયા, નસવાડી, બોડેલી છોટાઉદેપુર અને તેનાથી આગળ મધ્યપ્રદેશનાં મહત્વના મથકો સાથે પણ જોડાય છે, ત્યારે આ મહત્વના ધોરી માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ખોરંભે પડી છે તે બાબતે તંત્ર તાકીદે યોગ્ય રસ લઇને માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી પુનઃ શરૂ કરે તેવી લોક માંગ જોવા મળી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા બધા માર્ગોમાં આ માર્ગ મહત્વનો મનાય છે. લોકડાઉન ચાલુ હતું તે સમયે તો પસાર થતાં વાહનોની સંખ્યા જૂજ હતી પરંતુ લોકડાઉન ક્રમશ ખૂલી રહ્યું છે, ત્યારે આ મહત્વના માર્ગ પરથી પસાર થતાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો દિવસે દિવસે થઈ રહ્યો છે. ત્યારે વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવા માટે અંક્લેશ્વર રાજપીપળા વચ્ચેના માર્ગને ચાર માર્ગીય બનાવવાની જે કામગીરી ખોરંભે પડી છે તે તાકિદે શરૂ કરીને જનતાને પડતી હાલાકિ દુર કરવા તંત્ર આગળ આવે તેવી લોકમાંગ પ્રવર્તી રહી છે. લોકડાઉન ખૂલ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા સહેલાણીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો દિવસે દિવસે થનાર છે, ત્યારે સ્ટેચ્યુના સ્થળને જોડતા આ મહત્વના માર્ગને સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા અને મોભાને અનુરૂપ બનાવાય તે જરૂરી બન્યુ છે.
ઉલ્લેખનીય છે કે ગયા ચોમાસાની શરૂઆતે ઝઘડિયા તાલુકાના મહત્ત્વના મથક રાજપારડી નજીક ચાર રસ્તા પાસે આ માર્ગ પર પડેલા મોટા મોટા ગાબડાઓમાં વરસાદી પાણી ભરાતાં તેમાં કેટલાંક વાહનો ફસાવાના બનાવો બન્યા હતા. ત્યારે હોબાળો થતાં તંત્રએ તાબડતોડ માર્ગની આજુબાજુ પથ્થરોના ઢગલા કરીને કામગીરી શરૂ કરી હતી પરંતુ આ કામગીરી પણ થોડી ઘણી થઈ હતી, જે કામગીરી થવી જોઇએ તે થઇ ન હતી, તેથી જનતાની હાલાકી યથાવત રહેવા પામી છે. ઝઘડીયા ઉમલ્લા વચ્ચે ઘણા સ્થળોએ બિસ્માર બનેલા માર્ગને દુરસ્ત કરવા માટે ડામર યુક્ત મેટલ પાથરવામાં આવ્યા છે. પરંતુ તેના તેના પર ડામર પાથરીને કાર્પેટ કરવાની કામગીરી લાંબા સમય બાદ પણ અધુરી રહેવાના કારણે આ અણીદાર મેટલોના કારણે જતા આવતા વાહનોના ટાયરોને નુકશાન થવાની દહેશત વાહન ચાલકો અનુભવી રહ્યા છે.
અત્રે નોંધનીય છેકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ અંકલેશ્વર રાજપીપલાનો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી ખોરંભે પડતા તેની અસર સ્વાભાવિક રીતે સ્થાનિક ધંધા રોજગાર પર પણ પડી છે. વચમાં એવી ચર્ચાઓ પણ ઉઠી હતી કે અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગને છ માર્ગીય બનાવશે અને તે જરૂરી પણ છે. આ માર્ગ પર વધેલા ટ્રાફિકના ભારણને અનુરૂપ માર્ગને છ માર્ગીય બનાવવાની આવશ્યકતા પણ જણાય છે. ત્યારે તાકીદે આ બાબતે ઘટતા પગલા ભરાય તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ