ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખારીયા ગામે છોકરી ભગાડી જવાની બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.
મળતી વિગતો મુજબ ખારીયા ગામે રહેતા ચંપક મહેશભાઈ વસાવા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે ચંપકભાઈ તેમના પરિવારના સભ્યો સાથે ઘરે હાજર હતા, ત્યારે તેમના ઘરની સામે રહેતી અંબા લવઘણ વસાવા તથા અન્ય ત્રણ ઈસમો ચંપકના ઘરે આવ્યા હતા. તેઓ ચંપકના ભાઈ જસવંતને કહેવા લાગ્યા હતા કે મારી છોકરીને તમે લોકોએ ભીલવાડા ગામના છોકરા સાથે ભગાડી દેવામાં મદદ કરી છે. જેથી ચંપકભાઈના પરિવારે જણાવેલ કે તારી છોકરીને ભગાડી દેવામાં અમે કોઈ મદદ કરી નથી. એક વખત તારી છોકરી ભાગી ગયેલ ત્યારે તેને પરત લાવીને સોંપી હતી. તેમ છતાં તમારી છોકરી ફરીવાર ભાગી ગયેલ છે. આ સાંભળીને અંબા તથા અન્ય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને અંબાએ તેની હાથમાંની લાકડીનો સપાટો ચંપકને મારી દીધો હતો તથા જશવંતને માથાના ભાગે સપાટો વાગી ગયો હતો. તે દરમિયાન અંબા સાથે આવેલ પરાગ, રાહુલ, અને લવઘણે ચંપકને પકડી રાખીને બધાને ઢીકાપાટુનો મારમાર્યો હતો, તે દરમિયાન તેમના ઘરના અન્ય સભ્યોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા. અંબા તથા તેની સાથે આવેલા ઇસમો જતાં-જતાં કહેતા હતા કે મારી છોકરીને શોધી લાવો, તેમ કહીને ટાંટીયા તોડી નાખવાની ધમકી આપીને ગાળો બોલીને જતા રહ્યા હતા.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત જશવંત વસાવાને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. ત્યારબાદ ચંપક મહેશભાઈ વસાવાએ (૧) અંબા લવઘણ વસાવા (૨) પરાગ રડવાભાઈ વસાવા (૩) રાહુલ પરાગભાઈ વસાવા અને (૪) લવઘણ સરાધભાઈ વસાવા તમામ રહે.ગામ ખારીયા તા.ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ